Gujarat

ગુજરાતમાં ‘હાર્ટ એટેક’ના કારણે મૃ્ત્યુના કેસોમાં વધારો, ચાલુ ગાડીએ ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત

પાટણ: (Patan) હાલમાં રાજ્યમાં હાર્ટ એટેકના (Heart Attack) કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓછી ઉંમરના વ્યક્તિઓના પણ હાર્ટ એટેકના કારણે મોત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આજે પાટણના શંખેશ્વરના બોલેરા રોડ પર હાર્ટ એટેકના કારણે એક ડ્રાઈવરનું (Driver) મોત થયું છે. મહેસાણા દૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઈવરનું મોત નિપજ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દૂધ સાગર ડેરીના ટેમ્પોના અબ્દુલ બેલીમ નામના ડ્રાઈવરને ચાલુ ગાડીએ છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો. ત્યાર બાદ તેમનું હાર્ટ એટેકથી દુ:ખદ મોત થયું છે. ઉલ્લેખનીય છે કે, ગત પાંચ દિવસમાં હાર્ટ એટેકના અનેક કિસ્સા સામે આવ્યા છે. રાજકોટમાં 19 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. સુરતમાં પણ 42 વર્ષના આધેડને રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો હતો. જેની ઘટના CCTV માં કેદ થઈ હતી. પૂણેમાં પણ એક 21 વર્ષિય યુવાનને ક્રિકેટ રમીને આવ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો.

મોપેડની પાછળ બેઠા હતા, ત્યારે આવ્યો હાર્ટ એટેક
સુરતના ઉધના દરવાજા ખાતે રહેતો 42 વર્ષિય કાનસિંહ પુરનસિંગ રાજપુત મૂળ રાજસ્થાનનો વતની હતો. કાનસિંહ રાજસ્થાનની અવાર-નવાર સુરત આવીને અહીંથી કાપડ ખરીદીને રાજસ્થાનમાં વેપાર કરતો હતો. સુરતમાં ઉધના દરવાજા પાસે તેના ભત્રીજા સાથે રોકાયો હતો. કાનસિંહ તેના ભત્રીજા લક્ષ્મણ સાથે 23 એપ્રિલના રોજ મોપેડ પર બેસીને ખટોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતો હતો. ત્યારે અચાનક જ છાતીમાં દુખાવો ઉપાડતાં તે મોપેડ પરથી નીચે પટકાયો હતો. તેને હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરાયો હતો.

રાજકોટના 19 વર્ષિય યુવકને બાથરૂમમાં આવ્યો હાર્ટ એટેક
થોડા દિવસ અગાઉ જ રાજકોટમાં એક 19 વર્ષિય યુવકનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું. 19 વર્ષિય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક જ ઢળી પડ્યો હતો. ત્યાર બાદ પરિવાજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર ર્ક્યો હતો અને હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવોનું જણાવ્યું હતું.

અન્ય એક ઘટનામાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા આશાપુરી સોસાયટીમાંથી 28 વર્ષિય યુવક માતાજીના મંદિર પાસે દરજીની દુકાન પર કપડા સીવડાવવા માટે ગયો હતો. તે દરમિયાન અચાનક જ તે રસ્તા પર ઢળી પડતાં મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. અચાનક ઢળી પડતાં યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.

Most Popular

To Top