કેન્દ્રની મોદી સરકાર પર આક્ષેપો કરવાના હોય ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા અંબાણી અને અદાણીના નામ જરૂર લેવામાં આવે છે. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે મોદી સરકારના અંબાણી અને અદાણી ખાસ છે અને કેન્દ્રની સરકાર તેમને ખાસ ફાયદો કરાવે છે. રાહુલ ગાંધીના આ અંબાણી અને અદાણી વચ્ચે પણ હવે સૌથી વધુ ધનિક કોણ? તેની સ્પર્ધા ચાલી છે. પહેલા અંબાણી પરિવાર ભારતના સૌથી વધુ ધનિક હતા. બાદમાં મુકેશ અંબાણી એશિયાના સૌથી વધુ ધનિક બની ગયા. જોકે, અદાણી પણ તેની પાછળ નથી અને અદાણીએ પણ એ રીતે પોતાના ધંધાનો વિકાસ કર્યો કે હવે અંબાણી તેનાથી પાછળ રહી ગયા છે. તેમાં પણ જો અંબાણી અને અદાણીની સંપત્તિ ભેગી કરવામાં આવે તો તે તે ફેસબુકના માર્ક ઝુકરબર્ગથી વધારે થઈ ગઈ છે. આ સાથે જ ગુજરાતીઓનો આખા વિશ્વમાં ડંકો વાગી ગયો છે. એવું નથી કે અંબાણી અને અદાણીની સંપત્તિ વધી છે પરંતુ માર્ક ઝુકરબર્ગની સંપત્તિ ઘટી જવાને કારણે અંબાણી અને અદાણીની સંપત્તિ તેનાથી વધી ગઈ છે.
થોડા સમય પહેલા માર્ક ઝુકરબર્ગ દ્વારા પોતાની કંપની ફેસબુકનું નામ બદલીને મેટા કરવામાં આવ્યું હતું. પરંતુ આ નામ માર્ક ઝુકરબર્ગ માટે અપશુકનિયાળ રહ્યું છે. મેટા નામ પહેલા ઝુકરબર્ગની સંપત્તિ દુનિયાના પ્રથમ 10 ધનિકોમાં આવતી હતી પરંતુ હાલમાં એપલ કંપની દ્વારા સોશિયલ મીડિયા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા. જેને કારણે ઝુકરબર્ગને મોટું નુકસાન થવા પામ્યું છે. તેના દૈનિક વપરાશકારોમાં પાંચ લાખનો ઘટાડો થઈ જવા પામ્યો છે.
ગુરૂવારે માર્ક ઝુકરબર્ગની મેટ્રો પ્લેટફોર્મ ઈંકના શેરોમાં 23 ટકાનું ગાબડું પડી ગયું અને તેની શેરબજારમાં નેટવર્થ 200 અબજ ડોલર જેટલી ઘટી જવા પામી. આ કારણે ઝુકરબર્ગની સંપત્તિમાં મોટો ઘટાડો થતાં તે દુનિયાના અબજોપતિના ટોપ ટેનના લિસ્ટમાંથી નીકળી જવા પામ્યા. મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ 12 અબજ ડોલરનો ઘટાડો થયો. આનાથી અદાણીને ફાયદો થયો અને તે વિશ્વમાં 12માં નંબરના ધનિકના સ્થાન પરથી 10માં સ્થાન પર પહોંચી ગયા. અદાણીની સંપત્તિ અગાઉ અંબાણી કરતાં પણ વધારે થઈ હતી. જોકે, શુક્રવારે ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર ઈન્ડેક્ષ પ્રમાણે મુકેશ અંબાણી ફરી ગૌતમ અદાણી કરતાં વધુ ધનિક થઈ ગયા હતા. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે નંબર વનની રેસ થતી જ રહેવાની છે. કારણ કે બંનેની સંપત્તિમાં ખૂબ ઓછું અંતર છે.
શેરોમાં કડાકો બોલી જવાને કારણે અબજોપતિ જેફ બેજોસની નેટવર્થમાં પણ 11.8 અબજ ડોલરનો ઘટાડો થઈ જવા પામ્યો છે. એમેઝોનના સ્થાપક અને ચેરમેન બેજોસ પાસે પોતાની કંપનીનો આશરે 10 ટકા જેટલો હિસ્સો છે. આ હિસ્સાને આધારે જેફ બેજોસ દુનિયાના ત્રીજા નંબરના ધનિક વ્યક્તિ છે. એક વર્ષ પહેલા બેજોસની સંપત્તિ 57 ટકા વધીને 177 બિલિયન ડોલર થઈ હતી. કોરોનાને કારણે ઓનલાઈન ખરીદી વધી જતાં બેજોસની સંપત્તિ વધી હતી. પરંતુ હવે તે ધીરે ધીરે ઘટી રહી છે. નવેમ્બરમાં ટેસ્લાના અલોન મસ્કને 35 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. તે પછી ઝુકરબર્ગને થયેલું નુકસાન બીજા ક્રમનું ગણવામાં આવે છે. અલોન મસ્ક દ્વારા લોકોને એવું પુછવામાં આવ્યું હતું કે શું મારે મારો હિસ્સો વેચી દેવો જોઈએ. આ પુછવાને કારણે એલોન મસ્કની સંપત્તિ ઘટી ગઈ હતી. જે હજુ સુધી વધી નથી. ઘટી ગયેલી નેટવર્થને કારણે ઝુકરબર્ગનું સ્થાન ફોર્બ્સની યાદીમાં 12માં ક્રમે આવી ગયું છે.
ફોર્બ્સની રિયલ ટાઈમ અબજોપતિની યાદીમાં અદાણીની સંપત્તિની કિંતમ 90.1 અબજ ડોલર અને અંબાણીની સંપત્તિ 90.0 અબજ ડોલર છે. ફોર્બ્સની યાદીના આંકડા ગુજરાતીઓ માટે ગૌરવ લેવા છે. બે ગુજરાતીએ વિશ્વના ધનિકોને હંફાવી દીધા છે. એક તરફ વિશ્વભરના ધનિકોની સંપત્તિ ઘટી રહી છે ત્યારે આ બે ગુજરાતીઓની સંપત્તિ વધી રહી છે. આગામી દિવસોમાં આ બે ગુજરાતી વિશ્વના સૌથી વધુ ધનિક તરીકે સ્થાન પામે તો નવાઈ નહીં હોય.