ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે ઊભી થયેલી પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં જાહેર કર્યા છે. ગાંધીનગર વિધાનસભા પરિસરમાં વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં અધિક મુખ્ય સચિવ મોના ખંધારે ગેસ સપ્લાય અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને બફર સ્ટોક પણ સતત વધારવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ઘરેલુ તથા કોમર્શિયલ હેતુ માટે PNGનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં LPGનો પુરવઠો સામાન્ય કરતાં આશરે 20 ટકા વધારવામાં આવ્યો છે. PNG નેટવર્ક ઉપલબ્ધ ન હોય તેવા વિસ્તારોમાં 70 ટકા મર્યાદા સુધી LPG કનેક્શન આપવા નિર્ણય લેવાયો છે. ઉપરાંત, વર્ષભર ભોજન સેવા આપતી ધાર્મિક સંસ્થાઓને 10 ટકા મર્યાદામાં કોમર્શિયલ LPG કનેક્શન આપવા પણ મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ, જેમની પાસે PNG અને LPG બંને કનેક્શન છે તેઓએ બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. LPG વપરાશકર્તાઓને PNGમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગેસ વિતરણમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ ગેસ એજન્સીઓ પર રેવન્યૂ વિભાગના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે. શહેરોમાં LPG ડિલિવરી વાનને દિવસ દરમિયાન પણ પ્રવેશ આપવા સૂચના આપવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠાને સહાયરૂપ બનવા માટે રાજ્ય સરકાર દ્વારા કેરોસીનનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા 1452 KL (14,52,000 લિટર) કેરોસીન ફાળવવામાં આવ્યું છે, જેમાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર ફાળવાશે. પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન આપવામાં આવશે. આ ઉપરાંત, હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને 100 ટકા, ફાર્મા, ડેરી ઉદ્યોગ અને એરલાઇન/રેલવે કેન્ટીનને 70 ટકા તથા અન્ય આવશ્યક સેવાઓને મર્યાદિત પ્રમાણમાં કોમર્શિયલ LPG પૂરો પાડવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે તમામ ક્ષેત્રોને જરૂરિયાત મુજબ ગેસ પુરવઠો મળી રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.