Sports

ગુજરાત જાયન્ટ્સને મળ્યા નવા કોચ: ‘કબડ્ડીના ચાણક્ય’ રણધીર સિંહ સેહરાવતની નિમણૂક

પ્રો કબડ્ડી લીગ (PKL)ની આગામી સીઝન પહેલા ગુજરાત જાયન્ટ્સે મહત્વનો નિર્ણય લઈ અનુભવી કબડ્ડી વ્યૂહરચનાકાર રણધીર સિંહ સેહરાવતને ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. કબડ્ડીના ચાણક્ય તરીકે જાણીતા સેહરાવત લીગના સૌથી અનુભવી કોચોમાંના એક ગણાય છે અને તેઓ 2014માં શરૂ થયેલી પ્રો કબડ્ડી લીગથી જોડાયેલા રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ટીમે PKL સીઝન-6માં ચેમ્પિયનશિપ જીતવાની સાથે કુલ 6 વખત પ્લેઓફમાં જગ્યા બનાવી હતી.

અર્જુન એવોર્ડ વિજેતા સેહરાવત કબડ્ડી ક્ષેત્રમાં વિશાળ અનુભવ ધરાવે છે. તેમણે ભારતીય રેલવેની પુરુષ અને મહિલા કબડ્ડી ટીમોને કોચિંગ આપ્યું છે અને તેમના નેતૃત્વ હેઠળ બંને ટીમોએ અનેક રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીત્યા છે. ખેલાડી તરીકે પણ સેહરાવતની કારકિર્દી ખૂબ સફળ રહ્યી છે. તેમણે 1988ની એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ, 1989ની સાઉથ એશિયન ગેમ્સ અને 1990ની એશિયન ગેમ્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1990ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમમાં તેઓ વાઇસ કેપ્ટન તરીકે રહ્યા હતા. પોતાની નિમણૂક અંગે પ્રતિક્રિયા આપતા રણધીર સિંહ સેહરાવતે જણાવ્યું કે પ્રો કબડ્ડી લીગમાં ફરી જોડાવાનો તેમને આનંદ છે અને આ તક આપવા બદલ તેઓ અદાણી સ્પોર્ટ્સલાઇનના આભારી છે. તેમના કહેવા પ્રમાણે ગુજરાત જાયન્ટ્સ ટીમમાં યુવા પ્રતિભા અને અનુભવી ખેલાડીઓનું સારું સંયોજન છે અને ટીમ સાથે મળીને આ સીઝનમાં ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખવામાં આવશે.

Most Popular

To Top