ગુજરાતને મોતિયા-અંધત્વમુક્ત રાજ્ય બનાવવાની ઝુંબેશનો આરંભ

ગાંધીનગર(Gandhinagar): મોતિયા-અંધત્વમુક્ત ગુજરાત (Gujarat) ઝુંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આગામી ર૦રપ સુધીમાં રાજ્યમાં (Stat) અંધત્વનો દર ઘટાડીને ૦.રપ ટકા સુધી લઇ જવાનો ધ્યેય દર્શાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ રાજ્યમાં અમલી છે. ગુજરાતમાં ર૦૧૪માં થયેલા સરવે મુજબ અંધત્વનો જે દર ૦.૭ ટકા હતો, તે ઘટીને ર૦૧૮-૧૯માં ૦.૩૬ ટકા થયો છે. મુખ્યમંત્રીએ આંખની તથા મોતીયા વિંદની તપાસ કરાવવા આવેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી આંખના તબીબો દ્વારા થઈ રહેલી સારવાર તપાસ પણ નિહાળી હતી.

તેમણે કહ્યું હતું કે, મોતિયાની અસર સામાન્ય રીતે પ૦ વર્ષ પછીની ઉંમરે થતી હોય છે. આની સારવાર સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણિ મુકાવીને કરાવી શકાય છે. ગુજરાતમાં આ હેતુસર આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં મોતિયા ઓપરેશન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યાં છે. પ્રતિ ૧૦ લાખની વસતીએ ૧૦૦૦થી વધુ મોતિયાનાં ઓપરેશન દર હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ પણ જણાવ્યું હતું.

પટેલે કહ્યું હતું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં જેનો ખર્ચ ૧૦થી પ૦ હજાર રૂપિયા જેટલો થાય તેવી ફેકો ઇમલ્સીફિકેશન દ્વારા નેત્રમણિવાળા ઓપરેશન ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. એટલું જ નહીં સમગ્ર દેશમાં હાઇડ્રોફોબીક ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ વિનામૂલ્યે પૂરું પાડનારું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં બેય આંખે મોતિયાના કારણે અંધ હોય એટલે કે જેમની દૃષ્ટિ બંને આંખે ૩ મીટર કરતાં પણ ઓછી હોય તેવી તમામ વ્યક્તિઓને શોધીને મોતિયા-અંધત્વમુક્ત ગુજરાતની આ ઝુંબેશ અન્વયે સરકારી હોસ્પિટલો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં વિનામૂલ્યે ઓપરેશન કરવાનું આયોજન હાથ ધર્યું છે.

Most Popular

To Top