અમદાવાદ: રાજ્યમાં ૧-૪-૨૦૨૫ થી ૩-૧૨-૨૦૨૫ સુધીના કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો કેન્દ્ર સરકારે સંસદમાં શૂન્ય બતાવી છે, જેથી કેન્દ્રીય સ્તરે વધારાની સહાય મળી શકે તેવી તક પણ ગુમાવી દીધી છે. એનો અર્થ ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા ભારે નુકસાનની વિગતો કેન્દ્ર સરકારને જણાવી નથી કે શું ? સંસદમાં રજુ થયેલા તથા વાસ્તવિક આંકડાઓનાથી ભાજપ સરકારની ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી નીતિઓ વધુ એક વખત ખુલ્લી પડી ગઈ છે.
પ્રદેશ કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારે કમોસમી બિનહિસાબી વરસાદે ખેડૂતોના તૈયાર પાકો, મગફળી, કપાસ, જીરું, ડાંગર વગેરે નો વ્યાપક નાશ કર્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. દિવાળીના બીજા દિવસે ગુજરાતી નવા વર્ષની શરૂઆત થાય છે અને તે જ સમયે ખેડૂતો ચોમાસુ પાકની કાપણી શરૂ કરે છે, પરંતુ આ વર્ષે સતત વરસાદને કારણે તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. પાક તૈયાર થાય ત્યાં સુધી ખેડૂતોએ મોટા ખર્ચા કર્યા હોય છે, અને કુદરતી આફતથી તેઓ બરબાદ થઈ ગયા છે.