ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) ખેડૂતોને (Farmer) પાક ધિરાણ ઝીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 04 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. આગામી 100 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા રૂ.417 કરોડની રકમ ખેડૂતોને પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે ચૂકવવામાં આવનાર છે, તેવું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું.
ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્યની આશરે 5,000 જેટલી પેક્સ, મિલ્ક અને ફીશરીઝ સહકારી મંડળીઓનો નેશનલ કો.ઓપરેટીવ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. પેક્સ કમ્પ્યુટ રાઇઝેશન માટે જિલ્લા કક્ષાની બેઠકો પૂર્ણ કરીને આગામી ત્રણ વર્ષમાં કમ્પ્યુટ રાઇઝેશન કરવા માટેની 8,000 જેટલી પેક્સ સેવા સહકારી મંડળીઓની પસંદગી કરવામાં આવશે. રાજ્યની A અને B વર્ગની બજાર સમિતઓમાં ખેડૂતોને યોજનાઓની જાણકારી અને લાભ મળે તે અર્થે બજાર સમિતિ દ્વારા ‘ખેડૂત સહાય કેન્દ્ર’ની રચના માટેનું આયોજન કરીને સેવાઓ નક્કી કરવામાં આવનાર છે.