ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) અત્યારે ૪ લાખ, ૪૯ હજાર ખેડુતો પ્રાકૃતિક ખેતી (Farming) કરી રહ્યા છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. એપ્રિલ-૨૦૨૩ દરમિયાન જ ૬૯૬ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવી છે. ગુજરાતમાં ખેતીની ખરીફ સીઝનમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને ખરીફ સીઝન પહેલાં વધુને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અનુરોધ કર્યો છે.
રાજ્યમાં તા. પહેલી મેથી ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર્સમાં ખેડૂતોને તેમના ગામમાં જઈને ઘર આંગણે તાલીમ આપવામાં આવી રહી છે. મે-૨૦૨૩ ના પહેલા અઠવાડિયામાં આ રીતે ૧,૩૩,૯૭૨ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે.
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા માટે રાજભવન ખાતે આયોજિત ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, ગુજરાતની ૧૪,૪૮૫ ગ્રામ પંચાયતોને ૧૦-૧૦ ગામના ૧,૪૬૬ ક્લસ્ટર્સમાં વિભાજીત કરીને ખેડૂતોને ઘર આંગણે તાલીમ આપવાના નિર્ણયને આવકાર મળ્યો છે. તાલીમ પામેલા નિષ્ણાત ખેડૂતો જ અન્ય ખેડૂતોને તેમના ગામમાં જઈને તાલીમ આપી રહ્યા છે. આ પદ્ધતિથી ઓછા સમયમાં વધુ ખેડૂતોને સાવ ઓછા ખર્ચે અને વધુ અસરકારક રીતે તાલીમ આપવામાં આવી રહી છે. આ પદ્ધતિ પારદર્શક અને પ્રમાણિક પણ છે. જો ગુજરાતમાં આ તાલીમ મોડ્યુલ સફળ થશે તો સમગ્ર દેશમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં સરળતા રહેશે.
આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સૂક્ષ્મ જીવાણુઓ પર આધારિત ખેતી છે. ચોમાસામાં ભેજને કારણે સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધારે થાય છે. સૂક્ષ્મ જીવાણુઓથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. પરિણામે ખેડૂતોનું ઉત્પાદન વધે છે. ચોમાસામાં પ્રાકૃતિક ખેતીની સફળતા અનેક ગણી વધુ છે. ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પણ ખેડૂતોને તાલીમ આપવાનું કાર્ય શરૂ થઈ ગયું છે.