ગાંધીનગર: ગુરૂવારે યોજાયેલા દાહોદના ગરીબ કલ્યાણ મેળામાં ૬૮પ૦૦થી વધુ લાભાર્થીઓને અંદાજે ૩૮૦ કરોડના લાભ સહાય આપવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણ મેળાના ૧રમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ વનબંધુ વિસ્તાર દાહોદથી કરાવતાં કહ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોમાં ‘હવે ગરીબીમાં નથી જ રહેવું’ એવું સ્વાભિમાન અને નવી શક્તિ આપ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ કોઇ પર દયા દાન, ઉપકાર કે મદદનો ભાવ નથી પણ, જેના હક્કનું છે તેને આપવાનો સેવાયજ્ઞ છે. સાચો રહિ ન જાય અને ખોટો લઇ ન જાય તેની પૂરતી તકેદારી સાથે ગરીબોને શોધી તેમને હાથોહાથ સહાય-લાભ પહોચાડવા સમગ્રતંત્ર પ્રેરિત થયું છે. પટેલે ડંકાની ચોટ ઉપર કહ્યું હતું કે, ગરીબોના નામે જેમણે વર્ષો સુધી રાજકીય રોટલા શેક્યા, ગરીબને વોટબેંકની રાજનીતિ જ બનાવી રાખ્યા. તેમને પીએમ નરેન્દ્ર મોદીએ અપનાવેલી વિકાસની રાજનીતિની સમજ જ ના હોય. ગુજરાતમાં પાછલા અઢી દાયકાથી અને દેશભરમાં ૨૦૧૪થી વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે.