અમદાવાદ,તા.29
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીની સાથે સાથે કમોસમી વરસાદનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે, પરંતુ સાથે જ આગામી ચાર દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 38 ડિગ્રી ગરમી નોંધાવવા પામી હતી.હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૪ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ ઘટાડો થશે, જેનાથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે, કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો ઊંચકાયેલો જોવા મળ્યો છે. હવામાન વિભાગે નોંધેલા મહત્તમ તાપમાનના આંકડા નીચે મુજબ છે
સૌથી ગરમ સ્થળ: કંડલા એરપોર્ટ (૩૮ ડિગ્રી સેલ્સિયસ).
૩૭ ડિગ્રી: અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા.
૩૬ ડિગ્રી: સુરત, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને ડીસા.
અન્ય શહેરો: ભુજ, ભાવનગર અને વલ્લભ વિદ્યાનગરમાં ૩૫ ડિગ્રી, જ્યારે નલિયા અને પોરબંદરમાં ૩૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વરસાદની આગાહી અને ‘યલો એલર્ટ’
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં વરસાદની ચેતવણી (યલો એલર્ટ) આપી છે
૩૦ માર્ચ, ૨૦૨૬ (યલો એલર્ટ): ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં ૩૦-૪૦ કિમીની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે.
૩૧ માર્ચ, ૨૦૨૬ (યલો એલર્ટ): બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા ઉપરાંત અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના છે.
૨ અને ૩ એપ્રિલ: ૨ એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.