ગાંધીનગર: રાજ્યમાં નવી સરકારની રચના થઈ ગઈ છે. આજે મુખ્યમંત્રી (CM) તરીકે ફરી ભૂપેન્દ્ર પટેલે શપથ લઈ લીધા હતા. સાથે સાથે 16ને મંત્રીપદ પણ આપવામાં આવ્યું છે. અગાઉના મંત્રીમંડળમાં સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતમાંથી 7 મંત્રી હતી. જેમાં બે કેબિનેટ રેન્કના મંત્રી હતા. જોકે, નવું મંત્રીમંડળ નાનું બન્યું હોવાથી આ મંત્રીમંડળમાંથી પૂર્ણેશ મોદી, નરેશ પટેલ, જીતુ ચૌધરી અને વિનુ મોરડીયા કપાઈ જવા પામ્યા છે. આમ છતાં પણ વિસ્તાર પ્રમાણે પ્રતિનિધિત્વ જોઇએ તો સુરત શહેર અને જિલ્લામાંથી સૌથી વધુ ચાર મંત્રીઓ બનાવવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ અને રાજકોટમાંથી બે-બે મંત્રીઓ આવ્યા છે. બાકીના 9 જિલ્લા-વલસાડ, મહેસાણા, જામનગર, પાટણ, દ્વારકા, અરવલ્લી, ભાવનગર, મહીસાગર અને દાહોદમાંથી એક-એક મંત્રી બનાવવામાં આવ્યા છે.
નવા મંત્રીમંડળમાં સુરત શહેર અને જિલ્લામાંથી ચાર-ચારને મંત્રી બનાવવામાં આવતાં નવા મંત્રીમંડળમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતનો દબદબો વધી જવા પામ્યો છે. કારણ કે આખા મંત્રીમંડળમાં જેટલું પ્રતિનિધિત્વ સુરત જિલ્લાને મળ્યું છે તેટલું પ્રતિનિધિત્વ અન્ય કોઈ જ જિલ્લાને મળ્યું નથી. માત્ર વડોદરા અને અમદાવાદમાંથી જ બે-બે મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે બાકીના 9 જિલ્લા એવા છે કે જેમાંથી માત્ર એક-એક જ મંત્રી બન્યા છે. કુલ 33 જિલ્લા પૈકી માત્ર 12 જ જિલ્લાને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ મળ્યું છે. એવું મનાતું હતું કે લાંબા ગાળા બાદ પ્રથમ વખત અમરેલી જિલ્લાની તમામ બેઠકો ભાજપને મળી છે ત્યારે અમરેલી જિલ્લામાંથી કોઈને મંત્રી બનાવાવમાં આવશે. પરંતુ સુરતમાંથી મૂળ અમરેલીના પ્રફુલ્લ પાનશેરીયાને મંત્રી બનાવીને અમરેલીના પાટીદારોને પ્રતિનિધિત્વ આપી દેવામાં આવ્યું છે. જે રીતે મંત્રીમંડળ નાનું બનાવાયું છે અને જે રીતે અનેક જિલ્લાઓ બાકી રહી ગયા છે તે જોતાં લોકસભાની ચૂંટણી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવાની સંભાવના જોવાઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કમૂરતા પુરા થાય એટલે સંભવત: ઉત્તરાણ પછી મંત્રીમંડળનું વિસ્તર કરવામાં આવે તેવી શક્યતા છે.
મંત્રીમંડળમાં સૌથી વધુ વયના કનુ દેસાઈ અને નાની વયના હર્ષ સંઘવી દક્ષિણ ગુજરાતના
નવા મંત્રીમંડળમાં સુરત જિલ્લાને પ્રભુત્વ મળ્યું જ છે પરંતુ સાથે સાથે એક વાત એ પણ નોંધવા જેવી છે કે મંત્રીમંડળમાં સૌથી વધુ વયના મંત્રી દક્ષિણ ગુજરાતના જ પારડી બેઠકના કનુ દેસાઈ છે. જ્યારે સૌથી નાની વયના હર્ષ સંઘવી સુરત શહેરના છે. આ ઉપરાંત હર્ષ સંઘવી રાજ્યના સૌથી યુવા મંત્રી છે. હર્ષ સંઘવીની ઉંમર માત્ર 37 વર્ષ છે. કુંવરજી બાવળિયા નવા મંત્રીમંડળના બીજા વરિષ્ઠ મંત્રી છે, જેમની ઉંમર 67 વર્ષ છે. રાજ્યના નવા મંત્રીમંડળમાં 60 કે તેથી વધુ ઉંમર ધરાવનાર મંત્રીઓની સંખ્યા 9 છે. હર્ષ સંઘવી અને કુંવરજી હલપતિ બે યુવા મંત્રી છે.
નવા અધ્યક્ષ તરીકે દક્ષિણ ગુજરાતના ગણપત વસાવા અને રમણલાલ વોરાના નામની ચર્ચા
રાજ્યમાં નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે ત્યારે હવે વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ હશે તેની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેમાં નવા અધ્યક્ષ તરીકે રમણલાલ વોરા અથવા તો ગણપત વસાવાના નામોની ચર્ચા ચાલી રહી છે.
નાયબ દંડકનું પદ પણ દક્ષિણ ગુજરાતને ફાળે આવ્યું
નવા મંત્રીમંડળની રચના બાદ અગાઉના ભાજપના વિધાનસભાના દંડક પંકજ દેસાઈને હટાવીને તેમના સ્થાને વડોદરાના બાલકૃષ્ણ પટેલને દંડક બનાવવામાં આવ્યા છે. સાથે સાથે નાયબ દંડક તરીકે ડાંગના વિજય પટેલ તથા વઢવાણના જગદીશ મકવાણા અને બોરસદના રમણસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. હવે પંકજ દેસાઈએ કેબિનેટના વિસ્તરણ સુધી રાહ જોવી પડશે.
ભરૂચમાંથી કોઈને પણ મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય પદ તો મળ્યું પરંતુ કેટલાક ધારાસભ્યો મંત્રી પદની રેસમાં હતા. ભરૂચમાંથી ધારાસભ્ય બનવા માટે પાંચ દાવેદાર હતા. પરંતુ મોડી રાત સુધી ચાલેલા સસ્પેન્સનને અંતે કોઈ ફોન ન આવતાં નિરાશા મળી હતી. ભરૂચના 5 ધારાસભ્ય વાગરાના અરુણસિંહ રણા, ભરૂચના રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ઈશ્વરસિંહ પટેલ, જંબુસરના ડી.કે.સ્વામી અને ઝઘડિયાના રીતેશ વસાવામાંથી કોને મંત્રી બનાવાય છે તેની અટકળોએ જોર પકડ્યું હતું. અગાઉ જિલ્લામાંથી બીપીનભાઈ શાહ, છત્રસિંહ મોરી અને ઈશ્વરભાઈ પટેલ મંત્રીપદ સંભાળી ચૂક્યા છે. તો બીજી તરફ દુષ્યંત પટેલને નાયબ દંડક તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. ત્યારે નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં નિરાશા સાંપડી છે.