સુરત : કશ્મકશભરી કતારગામ (Katargam) બેઠક પર પ્રજાપતિ સમાજમાં ચાલી રહેલા અંડર કરંટને કારણે ભાજપના (BJP) ઉમેદવાર વિનુ મોરડીયા દોડતા થઈ ગયા છે અને તેમણે પ્રજાપતિ સમાજનું સંમેલન બોલાવ્યું હતું પરંતુ નારાજ પ્રજાપતિ સમાજે આવતીકાલે હવે પોતાના જ સમાજનું સંમેલન બોલાવતા આ બેઠક પર મામલો પ્રવાહી થઈ ગયો છે.
- પ્રજાપતિ સમાજમાં નારાજગી હતી અને ત્યાં મોરડીયાના સંમેલનથી બળતામાં ઘી હોમાયું
- આજે કતારગામમાં લાડલી ફાર્મમાં બોલાવાયેલા સંમેલનમાં 10 હજાર પ્રજાપતિઓને હાજર રાખવાનો વ્યુહ
- સંમેલને બળતામાં ધી હોમ્યું હોય તેમ ભારે હોબાળો મચી ગયો છે અને રાતોરાત બીજુ મહાસંમેલન બોલાવવા માટે આયોજન થઇ ગયું
પ્રજાપતિ સમાજમાં ‘જીતીએ નહી તો કંઇ નહી પણ કોઇને હરાવીને આપડી તાકાત બતાવીએ’ તેવા સૂર સાથે સોશિયલ મીડિયામાં ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. મંગળવારે ભાજપ સમર્થિત પ્રજાપતિ નેતાઓએ સમાજના નામે સંમેલન બોલાવ્યું હતુ. આ સંમેલને બળતામાં ધી હોમ્યું હોય તેમ ભારે હોબાળો મચી ગયો છે અને રાતોરાત બીજુ મહાસંમેલન બોલાવવા માટે આયોજન થઇ ગયું છે. જેનો આશય સમાજ કોઇ ચોકકસ નેતાઓના ઇશારે કોઇ ચોકકસ પાર્ટીની કદમબોશી નહી કરે તેવો સંદેશ આપવાનો હોય તેવું લાગી રહ્યું છે.
પ્રજાપતિ સમાજના બેનર હેઠળ કતારગામ વિસ્તારમાં લાડલી ફાર્મ ખાતે આ સંમેલન આવતીકાલે બોલાવાયું છે. જેમાં 10 હજાર લોકો ભેગા કરી સમાજની તાકાત બતાવવા રણનિતી ગોઠવાઇ છે. આ સંમેલનને કારણે પ્રજાપતિ સમાજના ભાજપ તરફી આગેવાની સ્થિતી સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. કેમકે આ સંમેલન કોઇ પાર્ટીના નામ પર નહી પરંતુ સામાજિક એજન્ડા સાથે યોજીને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હવે જે આગેવાનો આ સંમેલનમાં હાજર નહી રહે તેની સામે સમાજમાં નારાજગી ઉભી કરવા તખ્તો ગોઠવાયો છે ત્યારે આ બેઠક પર રાજકીય ગરમાટો વધી જવા પામ્યો છે.