અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભા- 2022ની ચૂંટણીમાં (Election) કોંગ્રેસનો (Congress) કારમો પરાજય થયો છે. આ વખતે વિધાનસભામાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર પાછળ કયા કારણો જવાબદાર છે, તે શોધી કાઢવા માટે પ્રદેશ કોંગ્રેસે આજથી ચાર દિવસ માટે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે આજે પ્રદેશ કોંગ્રેસના ઉચ્ચ હોદ્દેદારો સહિત વિધાનસભા બેઠકના ઉમેદવારો તથા સંગઠનના પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આજથી શરૂ થયેલી આ બેઠક 15મી ડિસેમ્બર સુધી ચાલશે.
વિધાનસભામાં કોંગ્રેસની જીત મેળવવા ક્યાં કચાશ રહી ગઈ, ક્યાં કમીઓ રહી ગઈ, શું કારણો હતા હારના, તે અંગેની ચર્ચા કરી ચિંતન મંથન કરવા માટે બેઠકોનો દોર શરૂ થયો છે. આજે ઉત્તર ઝોનના પદાધિકારીઓ, હોદ્દેદારો તેમજ વિધાનસભાના ઉમેદવારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આવતીકાલે 13મી ડિસેમ્બરના રોજ મધ્ય ઝોન, 14 ડિસેમ્બરના રોજ દક્ષિણ ઝોન અને 15મી ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ, વિધાનસભાના ઉમેદવારો સહિત અનેક આગેવાનો સાથે બેઠકમાં ચિંતન મનન કરી પરિણામની સમીક્ષા કરશે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠક હાંસલ કરી લગભગ સરકાર બનાવવાની નજીક પહોંચી ગઈ હતી, પરંતુ થોડા માટે કોંગ્રેસ સત્તા બનાવી શકી ન હતી. જોકે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મક્કમ નિર્ધાર અને 125 બેઠકોના જીત વિશ્વાસ સાથે કોંગ્રેસે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. તેમ છતાં આ વખતે કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર જીત મેળવી શકી છે.