ગાંધીનગર, રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે શુક્રવારે કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજીત ઇન્ડસ્ટ્રી-૪.૦ વિષય પર યોજાયેલી પરિષદ ખૂલ્લી મુકાઇ હતી. પરિષદમાં ગુજરાત (Gujarat) અને કર્ણાટકને (Karnatak) નવી ઇલેક્ટ્રિક બસ સુવિધા પ્રાપ્ત થવા બદલ ગુજરાત અને કર્ણાટકની જનતાને શુભેચ્છા પાઠવવાની સાથે કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર ખાતેથી આ પરિષદમાં વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ઔદ્યોગિક ક્રાંતિ ૪.૦ ની ખૂબ જ ચર્ચા થઇ રહી છે, ત્યારે ભારે ઉદ્યોગો અને ઓટોમોબાઇલ્સ ક્ષેત્રની ભૂમિકા વિષે આ પરિષદમાં ચર્ચા-વિચારણા થવાની છે. આ ચર્ચાથી ભારતના ઓટોમોબાઇલ ક્ષેત્રને અનેક ફાયદા થશે તેવી અભિલાષા વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ ઓટોમોબાઇલ્સના મેન્યુફેક્ચરીંગ હબ તરીકે ઓળખાતાં ગુજરાતમાં યોજાયેલી આ પરિષદ “રાઇટ જોબ એન્ડ રાઇટ પ્લેસ” હોવાનું ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પરિષદમાં ઓટો ઉદ્યોગ ક્ષેત્રે ઇન્ડસ્ટ્રી-૪.૦ વિષયમાં થનારી ગૃપ-ચર્ચાના નિષ્કર્ષ થકી આ સેક્ટરને નવું બળ પ્રાપ્ત થશે. ભારે ઉદ્યોગ ક્ષેત્રના વિભિન્ન પ્રકલ્પ અને પ્રયાસોથી ભારતમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ સાકાર થતી દેખાઇ રહી છે. કોમન ફેસીલીટી સેન્ટર્સ પણ દેશભરમાં ઉદ્યોગો માટે એક વિશિષ્ટ ઇનોવેશનનું નિર્માણ કરી રહ્યું છે, કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલયના મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ પણ આ પરિષદમાં સંબોધન કર્યુ હતું.