ઉમરગામ : ઉમરગામના સરીગામમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની જંગી જાહેરસભા યોજાઇ હતી. જેમાં તેમણએ કોંગ્રેસ (Congress) અને આપ (AAP) ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ઉમરગામ વિધાનસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર રમણ પાટકરના ચૂંટણી પ્રચાર માટે સરીગામ પધારેલા ભારત સરકારના બાળ કલ્યાણ વિભાગના કેન્દ્રીય મંત્રી ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિબેન ઈરાનીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જંગી સભાને સંબોધતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખૂબ ખરાબ છે. રાહુલ ગાંધી ભાષણ કરવા આવે છે ત્યારે ભરત સોલંકી મંચ છોડીને ચાલી જાય છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા ઢોંગ કરવાની યાત્રા છે. આમ આદમી પાર્ટીના નેતા નરેન્દ્ર મોદીની માતા માટે અપમાનજનક ટિપ્પણી કરે છે. આવા લોકોને ગુજરાત કદી સ્વીકારે નહીં. સુરતમાં આપના નેતાઓના કાર્યાલયને તાળા લાગી ગયા છે. તેમના પોતાના જ કંઈ ઠેકાણા નથી અને ગેરંટી કાર્ડ આપવા નીકળ્યા છે. લોકોએ આમ આદમી પાર્ટીને ચૂંટણી મતદાન પહેલા જ નકારી દીધી છે.
ગુજરાતના લોકો ખૂબ જ ભાગ્યશાળી છે. ગુજરાતમાં ખૂબ જ નાનકડા ગામમાં અને પરિવારમાં જન્મેલા એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનનું પદ સંભાળ્યું અને અયોધ્યામાં રામ મંદિરનું શિલાન્યાસ નરેન્દ્ર મોદીના હાથે થયું એ આપણા સૌ ગુજરાતીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે. ગુજરાતની અને રાષ્ટ્રની પ્રગતિ જોઈતી હોય તો એક તારીખે કમળનું બટન દબાવીની ભાજપના ઉમેદવારને જીતાડીએ એવી અપીલ તેમને કરી હતી. ઉમરગામ બેઠકના ભાજપના ઉમેદવાર રમણભાઈ પાટકરે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કોંગ્રેસે દેશમાં 47 વર્ષ સુધી શાસન કર્યું છે પણ કોઈ નોંધપાત્ર કામો કર્યા નથી. છતાં માત્ર બોર્ડ મારે છે કોંગ્રેસનું કામ બોલે, ભાજપ જ ગુજરાત અને દેશને વિકાસના પંથે લઈ જઈ શકે છે. એમણે ઉમરગામ તાલુકામાં થયેલા અનેક વિકાસના કામો ગણાવી ફરીવાર જીતાડવા અપીલ કરી હતી. સભામાં મોટી સંખ્યામાં લોકો ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.