ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરત થાય તે પહેલા તાજેતરમાં કહેવાતી ૮૦૦ કરોડની ગોબાચારીના મામલે મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન તથા માજી ગૃહ રાજય મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ હવે ઉત્તર ગુજરાતમાં કેટલીયે રાજકીય ફોલ્ટલાઈન સક્રિય થવા સાથે રાજનીતિ પણ ગરમાઈ છે. ઉત્તર ગુજરાતના ૨૪ કરતાં વધુ ગામોની બાહર ભાજપના નેતાઓએ પ્રચાર માટે આવવુ નહીં , તેવા પોસ્ટર્સ લાગી ગયા છે. ઉત્તર ગુજરાતમા ડેરીમાં દૂધ ભરાવવાની સહકારી પ્રવૃત્તિ સાથે રાજનીતિ વણાયેલી છે. જેમાં ખાસ કરીને મહિલાઓ વધુ સક્રિય છે. મહેસાણામાં દૂધ સાગર ડેરી તથા બનાસકાંઠામાં બનાસ ડેરીનું રાજકારણ આખા ઉત્તર ગુજરાતને અસર કરે તેમ છે.
આખી વાત જાણે એમ છે કે , વિસનગર બેઠક પરથી ઋષિકેશ પટેલના સ્થાને વિપુલ ચૌધરીને ટિકીટ આપવી જોઈએ, તેવી ભાજપની અંદરથી જ વાત ચાલી , કે જેના પડઘા પડયા અને છેવટે એસીબીએ વિપુલ ચૌધરી સામે ૮૦૦ કરોડની ઉચાપતની ફરિયાદ દાખલ કરી દીધી અને અડધી રાત્રે ગાંધીનગરના પંચશીલ ફાર્મ ખાતેથી વિપુલ ચૌધરીની ધરપકડ કરાઈ હતી. આવતીકાલે તેમના રિમાન્ડ પણ પૂરા થાય છે.
વિપુલ ચૌધરી સામેની રાજકીય લડાઈમાં કાંઈ કેટલાય લોકો પોતાનો જૂનો રાજકીય હિસાબ ચૂકતે કરી રહ્યાં છે, જેમાં કેટલાંક સીધા સામે લડી રહ્યાં છે, તો કેટલાંક રાજકીય પ્યાદાઓને આગળ ધરીને લડી રહ્યાં છે. વિપુલ ચૌધરી સામેના આક્ષેપોનું સત્ય તો છેવટે કોર્ટ જ નક્કી કરશે, પરંતુ કેટલાંક લોકો વિપુલ ચૌધરીની રાજકીય કારર્કિદી ખત્મ કરવા તલપાપડ થયા છે. આ લડાઈમાં સીધો ફાયદો પૂર્વ કેબિનેટ મંત્રી શંકર ચૌધરી પણ છે, કારણ કે તેઓ બનાસ ડેરીના ચેરમેન પણ છે અને ઉત્તર ગુજરાતની સહકારી પ્રવૃત્તિઓમાં તેમને કોઈ પડકારી ના શકે તે રીતે તેમનું રાજકીય કદ વધી રહ્યું છે અલબત્ત, ભાજપની અંદર આંતરીક રીતે કેટલાંક દિલ્હી દરબાર સાથે સંકળાયેલા દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરીથી નારાજ પણ છે. શંકર ચૌધરી હવે પોતાને ઉત્તર ગુજરાતમાં ઓબીસી નેતા તરીકે પ્રોજેકટ કરી રહ્યાં છે.
મહેસાણા જિલ્લામાં પૂર્વ ડે સીએમ નીતિન પટેલ તથા ઋષિકેળ પટેલ પણ આંતરીક રાજકીય સ્પર્ધા – ખેંચતાણ વધી જવા પામી છે. નીતિન પટેલનું નસીબ આગામી ચૂંટણીમાં ચમકશે કે કેમ ? તે કહેવુ અઘરૂ છે.જયારે ઋષિકેશ પટેલ નવી સરકારમાં કેબિનેટ મંત્રી બની ગયા એટલે જિલ્લાની રાજનીતિ બદલાયેલી છે, તેમની સામે પણ વિરોધ શરૂ થી ચૂકયો છે.
આજે વિસનગરમાં યોજાયેલી અર્બુદા સેનાના કાર્યકરોની મહ્તવની સબામાં મંચ પર વિપુલ ચૌધરીનો ફોટો મૂકીને તેમની પાઘડી મૂકવામાં આવી હતી. આંજણા ચૌધરી સમાજના આગેવાન મોઘજી ચૌધરી સહિતના આગેવાનોએ કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણઈના પગલે રાજકીય કિન્નાખોરી રાખીને વિપુલ ચૌધરી સામે કેસ દાખલ કરાયો છે. તેમને મુકત કરવા જોઈએ, નહીં તો ભાજપને ચૂંટણીમાં સહન કરવાનો વારો આવશે. ખાસ કરીને વિસનગરની બેઠક પર ઋષિકેશ પટેલના સ્થાને પ્રકાશને ટિકીટ આપવાની માંગ કરાઈ હતી.
દરમ્યાનમાં આજે દિયોદર ભાજપની નમો પંચાયતના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી હતી. આઝાદ ચોક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગૌભક્તોએ મચાવ્યો હોબાળો મચાવ્યો હતો. ગૌપ્રેમીઓ અને ખેડૂતોએ નમો પંચાયતમાં પહોંચી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. સરકાર દ્વારા ગૌશાળા તથા પશુઓના નિભાવ માટે 500 કરોડની સહાય ના ચૂકવતા ગૌપ્રેમીઓ વિફર્યા હતા.જો કે પોલીસે બનાવ સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.