ગાંધીનગર: ચૂંટણી સમયે શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ આપવાની ભ્રામક જાહેરાતો કરનાર કોંગ્રેસના (Congress) શાસન સમયના ભૂતિયા દવાખાનાઓ રાજ્યના નાગરિકોએ જોયા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલું જન આરોગ્ય સંકલ્પપત્ર વધુ એક પડીકું છે. તમારા જૂઠાણાઓથી ભ્રમિત થઇ નાગરિકો તમારાથી હવે છેતરાશે નહિ, જનતા જનાર્દનના આશીર્વાદ અમારી ઉપર છે અને રહેશે જ એવો અમને દ્રઢ વિશ્વાસ છે, તેવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતુ કે, કોંગ્રેસ પાયાવિહોણા અને અભ્યાસ વઞરના નિવેદનો કરી ગુજરાતને બદનામ કરવાનુ બંધ કરે, જનતા જનાર્દન તમને ઓળખી ગઈ છે. નીતિ આયોગ (આરોગ્ય અને સુખાકારી) SDGના રિપોર્ટ પ્રમાણે મોટા રાજ્યમાં આપણું ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. જ્યારે રાજસ્થાન ૧૫માં ક્રમે છે. ત્યારે રાજસ્થાન સહિતના કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આરોગ્યની શું સ્થિતિ છે એ કોંગ્રેસે જોવું જોઈએ. ગુજરાતની ઉપર આંગળી ચિંધીને ચૂંટણીલક્ષી આક્ષેપો કરી સમય બગાડવાને બદલે રાજસ્થાનના નાગરિકોની આરોગ્ય સુવિધાઓ વધારવા શું કરવુ તેની ચિંતા કોંગ્રેસે કરવી જોઇએ. એટલુ જ નહિ, રાજ્ય ખાદ્યસુરક્ષા સૂચકાંક વર્ષ ૨૦૨૦-૨૧માં મોટા રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે જ્યારે રાજસ્થાન ૧૦માં ક્રમે છે.
રાજ્યમાં ૯૫૦૦થી વધુ સબ સેન્ટર, ૧૯૦૦થી વધુ પી.એચ.સી, ૩૬૧ જેટલાં સી.એચ.સી સેન્ટર કાર્યરત છે. તે ઉપરાંત ૭૪ જેટલી ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તથા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ કાર્યરત છે. આ ઉપરાંત ૮ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. જેમાં કિડની, હાર્ટ, સ્પાઈન, કેન્સર, આઈ રોગની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે તેમજ ૩૬ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ૬૦૦ પંડિત દિનદયાલ ક્લિનિક્સ, ૧૨૮ મોબાઈલ હેલ્થ ક્લિનિક, ૧૧૪ ગ્રાંટ ઈન એઈડ હોસ્પિટલો થકી નાગરિકોને સર્વોચ્ચ આરોગ્ય સારવાર આપવામાં આવે છે.