અમદાવાદ: કોંગ્રેસના (Congress) ઇમરાન ખેડાવાલા હાલમાં જ સંપન્ન થયેલી ચૂંટણીમાં (Election) ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવેલા એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે, જેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પ્રચંડ વિજય મેળવ્યો હતો. વિદાય લઈ રહેલી વિધાનસભામાં ત્રણ મુસ્લિમ ધારાસભ્યો હતા, જે તમામ કોંગ્રેસના હતા. અમદાવાદ શહેરની જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ખેડાવાલાએ ગુરુવારે 13,658 મતોની સરસાઇથી ચૂંટણી જીતીને આ બેઠક જાળવી રાખી હતી.
કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મોટા ભાગના જીત્યા
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં ગયેલા કોંગ્રેસના મોટાભાગના ભૂતપૂર્વ નેતાઓ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર સાથે ભાજપે કોંગ્રેસના 12 પૂર્વ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા હતા. આ 14માંથી ત્રણને બાદ કરતા તમામે ગુરુવારે ચૂંટણી જીતી લીધી હતી.
ભાજપના 45 નવા ચહેરામાંથી 43 જીત્યા
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્યોને પડતા મૂકીને જે ૪૫ નવા ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, તેમાંથી બે સિવાયના તમામ ઉમેદવારો જીત્યા હતા. તેમાં અપવાદો બોટાદ અને વાઘોડિયા હતા, જ્યાં ભાજપના નવા ઉમેદવારોને અનુક્રમે તેમના આમ આદમી પાર્ટી અને અપક્ષ હરીફોએ હરાવ્યા હતા. સત્તા વિરોધી ભાવનાને રદબાતલ કરવા માટે શાસક પક્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 45 ધારાસભ્યોને પડતા મુક્યા હતા. ગુજરાતમાં 27 વર્ષથી ભગવો પક્ષ સત્તા પર છે.
નોટાનો હિસ્સો ઘટી ગયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નોટાના મતોનો હિસ્સો 2017ની સરખામણીએ નવ ટકાથી વધુ ઘટ્યો હતો, આ વખતે ખેડબ્રહ્મા બેઠક પર આવા સૌથી વધુ 7,331 મત પડ્યા હતા. ચૂંટણી પંચના આંકડા અનુસાર, રાજ્યમાં આ ચૂંટણીમાં 5,01,202 એટલે કે 1.5 ટકા મતો નોટા હતા, જે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 5,51,594 હતા. ખેડબ્રહ્મા બેઠક પર સૌથી વધુ 7,331 નોટા મત પડ્યા હતા, ત્યારબાદ દાંતામાં 5,213 અને છોટા ઉદેપુરમાં 5,093 મત પડ્યા હતા. દેવગઢબારિયા બેઠક પર 4,821 નોટા, શેહરાને 4,708, નિઝરને 4,465, બારડોલીમાં 4,211, દસક્રોઇમાં 4,189, ધરમપુરમાં 4,189, ચોર્યાસી 4,169, સંખેડા 4,143, વડોદરા શહેર 4,022 અને કપરાડામાં 4,020 મત નોંધાયા હતા.