Gujarat

BTP અને JDU વચ્ચે ગઠબંધન, નીતિશ કુમાર પ્રચાર માટે ગુજરાત આવશે

ગાંધીનગર: ગુજરાત(Gujarat) વિધાનસભાની ચુંટણી(Election) જાહેર થતા જ રાજકીય પાર્ટીઓનો ધમધમાટ શરુ થઇ ગયો છે. ઉમેદવારોનાં નામો જાહેર કરવા માટે મીટીંગો પર મીટીંગો યોજાઈ રહી છે. ત્યારે હવે ગુજરાતનાં રાજકારણ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) નીતીશ કુમાર(Nitish Kumar)ની પાર્ટી JDU સાથે ગઠબંધન કરવા જઈ રહી છે. આ જાહેરાત BTPનાં અધ્યક્ષ છોટુ વસાવા(Chotu Vasava)એ કરી છે. સાથે જ તેઓએ એ પણ જણાવ્યું હતું કે, નીતીશ કુમાર ચુંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ BTPએ આપ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું.

નીતિશ કુમાર આવશે ગુજરાત
ગુજરાતનાં રાજકારણમાં આ વાતના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. ગતરોજ છોટુ વસાવાની હાજરીમાં બીટીપીના પ્રદેશ અધ્યક્ષ અને જનતા દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વચ્ચે બેઠક યોજાઈ હતી. જે બાદ છોટુ વસાવાએ જેડીયું અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો કર્યો છે. છોટુ વસાવાએ કહ્યું કે, જેડીયુના મદદ થી અમે ચૂંટણી લડીશું. જનતા દળ અમારા જૂના સાથી છે. આગામી દિવસોમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગુજરાત આવશે. બંને સાથે મળીને આગામી નવી યાદી જાહેર કરીશું.

BTPએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
BTPએ ગતરોજ ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 12 સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે. નાંદોદ બેઠક પર મહેશ શરદ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભિલોડા બેઠક પરથી ડો.માર્ક કટારા, ઝાલોદ બેઠક પરથી મનસુખ કટારા, દાહોદ બેઠક પરથી દેવેન્દ્ર મેડા, સંખેડા બેઠક પરથી ફુરકન રાઠવાને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત કરજણ બેઠક પરથી ઘનશ્યામ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યા, વ્યારા બેઠક પરથી સુનિલ ગામીત, નિઝર બેઠક પરથી સમીર નાઈક, ડાંગ બેઠક પરથી નિલેશ ઝાંબરે, ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલ, અને ઓલપાડ બેઠક પરથી વિજય વસાવાને ટિકિટ આપવામાં આવી છે.

2017માં BTPને મળી હતી 2 સીટો
ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 182 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠકો કબજે કરી હતી. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ)ને 77 સીટો મળી હતી. તો ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના 2 ઉમેદવાર, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના 1 ઉમેદવાર અને અપક્ષના 3 ઉમેદવારોનો વિજય થયો હતો. ઝગડિયા બેઠક પરથી બીટીપીના ઉમેદવાર છોટુ વસાવા 60.18 ટકા મતોથી જીત્યા હતા. જ્યારે દેડિયાપાડાથી મહેશ છોટુભાઈ વસાવા 50.22 ટકા મતોથી જીત્યા હતા.

અગાઉ આપ પાર્ટી સાથે કર્યું હતું ગઠબંધન
ઉલ્લેખનીય છે અગાઉ BTPએ આમ આદમી પાર્ટી સાથ ગઠબંધન કર્યું હતું. ભરૂચ ખાતે યોજાયેલા BTPનાં મહાસંમેલન પહેલા કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. છોટુ વસાવાએ કહ્યું હતું કે, ‘રાજકારણમાં નવા ઉદયની શરૂઆત થઇ છે. અગાઉ જેમની સાથે ગઠબંધન કર્યું તેમણે કામ ન કર્યું. ગરીબોનું કલ્યાણ થાય તે જ અમારુ લક્ષ્ય.’ જે બાદ AAP અને BTP વચ્ચે ગઠબંધન ટૂંક સમયમાં જ તૂટી ગયું હતું.

Most Popular

To Top