ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) નવા વેરિએન્ટ BF.7ની સામે લડવા માટે રાજ્ય સરકારે એક્શન પ્લાન (Action Plan) તૈયાર કર્યો છે, જેમાં ખાસ કરીને સરકાર દ્વારા સતત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ (3T), વેક્સિનેશન-કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરની સ્ટ્રેટેજી અપનાવીને તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
ગુરુવારે સવારે કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતે કોરોના સામેની લડતમાં હરહંમેશ પ્રો-એક્ટિવ વલણ અપનાવ્યું છે. દેશનાં અન્ય રાજ્યો જેવા કે, કેરલ, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ વગેરે રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોવિડ કેસની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. છેલ્લા એક માસમાં રાજ્યમાં એવરેજ ૫થી ૧૦ જેટલા કેસો નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા પણ અન્ય રાજ્યોની સરખાણીમાં ગુજરાતમાં ફક્ત ૨૩ જેટલા છે. ભારતમાં કુલ એક્ટિવ કેસ ૩૪૦૨ છે. જેની સાપેક્ષમાં રાજ્યના એક્ટિવ કેસની સંખ્યા ખૂબ જ ઓછી છે. દેશભરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને કેન્દ્રીય આરોગ્ય વિભાગના પરામર્શથી રાજ્ય સરકારે કોરોના સામેની લડત માટે પ્રો-એક્ટિવ વલણ દાખવીને સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યભરમાં વિવિધ હોસ્પિટલોમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટને ચકાસવા આવતીકાલે શુક્રવારે એક મોકડ્રીલ યોજવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે યુદ્ધના ધોરણે આ પ્લાન્ટ્સનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત જરૂર પડે તો તેની કેપેસિટી પણ વધારવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં કોરોના સામેની લડતમાં ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ અંગે જણાવ્યું હતું કે, રાજ્યની હોસ્પિટલો, પી.એચ.સી. અને સી.એચ.સી. સેન્ટરમાં કોવિડની ગાઇડલાઇન મુજબ તૈયારી સંદર્ભે ગઈકાલે તમામ તબીબો, અધિકારીઓ અને સ્ટાફ સાથે રાજ્ય કક્ષાની વિડીયો કોન્ફરન્સ યોજીને જરૂરી તમામ માર્ગદર્શન, સૂચનાઓ આપી સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં હાલ કોવિડ-19 અંતર્ગત સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 4 હજારથી વધુ બેડની સુવિધાઓ ઉપલબ્ધ છે. જે 24 કલાકમાં જ કોવિડના દર્દીઓની સારવાર માટે ટ્રાન્સફર કરી શકાય તેમ છે, જેમાં 15 હજારથી વધુ આઇ.સી.યુ., 9700 જેટલા વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે.
જીનોમ સિકવન્સિંગ સંદર્ભે તેમણે કહ્યું હતું કે, હાલ આર.ટી.પી.સી.આર. પોઝિટિવ દર્દીનું ઝીનોમ સિકવન્સિંગ કરવામાં આવે છે. હાલમાં GBRC ગાંધીનગર ખાતે દર મહિને 4 હજારથી વધુ ઝીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરવાની કેપિસિટી છે.
પ્રવક્તામંત્રીએ જણાવ્યું હતું કે, હાલ ચીન, જાપાન અને અમેરિકા જેવા દેશોમાં BF.7 વેરિયન્ટના કેસ જોવા મળી રહ્યા છે. ભારત અને ગુજરાતમાં આ પ્રકારના જૂજ કેસ જોવા મળ્યા છે. ગુજરાતમાં નોંધાયેલા BF.7થી સંક્રમિત 3 દર્દી હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ ગયા હતા.