અમદાવાદ(Ahmedabad) : ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron) ખૂબ જ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે. આ નવા ઓમિક્રોન વાયરસ ખૂબ ઝડપી છે. તેને ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણકે તે કોઈપણ ઈમ્યુનીટીને ગાંઠતો નથી. જોકે ડેલ્ટા વાયરસ કરતા ઓમિક્રોન એટલો બધો ઘાતક નથી, પરંતુ સચેત રહેવાની ખૂબ જરૂર છે. તેવું રાજ્ય સરકારની કોરોના ટાસ્ક ફોર્સના સભ્યોએ જણાવ્યું હતું. આજે અમદાવાદમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે કોરોના માટેના નિષ્ણાત તબીબોની સરકારની ટાસ્ક ફોર્સના સભ્યો સાથે રાજ્ય અને અમદાવાદ શહેરની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે રાજ્યમાં ઝડપથી આગળ વધી રહેલા કોરોના નવા ઓમિક્રોન વાયરસ અંગે જનતાને અપીલ કરતા કહ્યું હતું કે સરકારની ગાઇડ લાઇનનું લોકો દ્વારા અવશ્ય પાલન પાલન કરવામાં આવે. કોઈએ પણ ગભરાવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે.
કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં પ્રજાનો સહયોગ મળશે, તો રાજ્ય સરકાર આકરા પગલા નહીં ભરે, પરંતુ જો પ્રજા સહયોગ નહીં કરે, તો સરકાર દ્વારા નાછૂટકે આકરા પગલાં ભરી દંડકીય કાર્યવાહી કરવાની જરૂર પડશે. ખાસ કરીને સોસાયટી, મોહલ્લા, પોળો, શેરીઓમાં લોકો ભેગા ન થાય. પોતાનું કામ પૂર્ણ થાય કે તરત જ ઘરે પહોંચી જાય, અને કામ વગર ઘરની બહાર ન નીકળે માસ્ક પહેરે, સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરે, તેવી અપીલ કરી હતી.
તેમણે બીજી લહેરના ડેલ્ટા વાયરસ અને હાલના નવા એમિક્રોન વાયરસના તફાવત સમજાવતા કહ્યું હતું કે હાલનો ઓમિક્રોન વાયરસ ડેલ્ટા વાઇરસ કરતા થોડો નબળો છે. ઓમિક્રોન ડેલ્ટા જેટલો ઘાતક નથી, પરંતુ તેની સંક્રમિત કરવાની શક્તિ ખૂબ વધુ છે. ઓમિક્રોન વાયરસ નાક, ગળા અને શ્વાસનળીને જ અસર કરે છે. ફેફસામાં ખૂબ જ ઓછું નુકસાન કરે છે. પરિણામે દર્દીઓને હોસ્પીટલમાં જવાની જરૂર ઓછી પડે છે.
રાજ્યમાં કોરોના નવા કેસ પૈકી ૬૦ થી ૭૦ ટકા કેસ ઓમિક્રોનના
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર તીવ્ર ગતિએ આગળ વધી રહી છે. હાલમાં કોરોના નવા આવી રહેલા કેસો પૈકીના ૬૦ થી ૭૦ ટકા કેસ નવા વેરિયન્ટ ઓમિક્રોન છે. સામાન્ય શરદી, ખાંસી પણ કોરોના હોઈ શકે છે, તેવું રાજ્ય સરકારની કોરોના ટાસ્ક ફોર્સના નિષ્ણાતોએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી કોરોના નિષ્ણાત તબીબોની ટાસ્ક ફોર્સના સભ્યોએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં કોરોનાના નવા કેસો પૈકી ના ૬૦ થી ૭૦ ટકા કેસો ઓમિક્રોનના હોય છે. હાલમાં લોકોને શરદી-ખાંસી અને તાવના લક્ષણો જોવા મળે છે. આ સામાન્ય જણાતા લક્ષણો પણ કોરોના હોઈ શકે છે. આથી શરદી, ખાસીના લક્ષણો જણાય તો દર્દીઓ ગંભીરતા દાખવવાની જરૂર છે. શરદી, ખાંસીના લક્ષણો જણાય તો કોરોનાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.