ગાંધીનગર: પ્રેમ, સદભાવના સંદેશ અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના (Gujarat) તમામ ગામ – શહેરો સુધી પહોંચાડવા માટે ‘હાથ થી હાથ જોડો’ ના નામ હેઠળ કોંગ્રેસ (Congress) દ્વારા ૩૦ કિલોમીટરની પદયાત્રા સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી કરમસદ સુધી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા.
સરદાર સાહેબને પૂષ્પાંજલી અર્પણ કરીને “હાથ થી હાથ જોડો” પદયાત્રાનો શુભારંભ કરાવતા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્ય અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો પદયાત્રા શરુ કરી અને ૪૦૦૦ કિલોમીટર ચાલીને દેશના ખૂણે ખૂણે એકતા અને અખંડિતતાની મશાલ જલાવી ત્યારે આ પ્રેમ, સદભાવના સંદેશ અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરવા ગુજરાતના તમામ ગામ – શહેરો સુધી પહોંચાડવા માટે ‘હાથથી હાથ જોડો’ પદયાત્રા સમગ્ર દેશ અને ગુજરાતમાં યોજાઇ રહેલ છે અને તેના જ ભાગરૂપે ગાંધી સરદાર સાહેબની જન્મભૂમિથી કર્મભૂમિ સુધી ‘હાથ સે હાથ જોડો’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હંમેશની જેમ રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે. આ સંજોગોમાં ભાજપ સરકારની વારંવાર જનઅન્યાયની નીતિ સામે અને ભારત જોડવા માટે એકતાનો સંદેશો જન જન સુધી પહોંચાડવા નડિયાદ થી કરમસદ સુધી પ્રતિકાત્મક રેલી-કૂચ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ગુજરાતના યુવાનો, મહિલાઓ, ખેડૂતો, પશુપાલકો અને વેપારીઓના પ્રાણપ્રશ્નોને વાચા આપતો પદયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સરદાર સાહેબની જન્મભૂમિથી લઈને કર્મભૂમિ સુધી ૩૦ કિલોમીટર લાંબી ‘હાથ થી હાથ જોડો’ પદયાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા અમીત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ સેક્રેટરી ઉષા નાયડુ સહિત પ્રદેશના હોદ્દેદારો, આગેવાનો, જીલ્લા – તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.