Gujarat

કોંગ્રેસના શાસનમાં રથયાત્રા વખતે જ તોફાનો થતાં હતા : અમિત શાહ

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરના (Gandhinagar) રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ ૨૧૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ કર્યું હતું. જેમાં ૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર કલોલ-પાનસર રેલવે ઓવરબ્રિજ, ગાંધીનગર-વાવોલ-છત્રાલ રોડ પર ૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજનું તેમજ એસ.જી.હાઈવેથી વિશ્વ ઉમિયાધામના રસ્તાને ૧૭ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાના કાર્યનું ઇ-ખાતમુહૂર્ત, રૂપાલ અને વાસણ ગામે તળાવના નવિનીકરણના કાર્યનું ભૂમિપૂજન તેમજ ૮૫.૬૫ કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે નવનિર્મિત ‘ચંદ્રશેખર આઝાદ નગર’ના ૨૮૦ આવાસો, એસ.જી. હાઇવે પર તારાપુર ખાતે ૭ કરોડના ખર્ચે તૈયાર થયેલા છ માર્ગીય ફ્લાયઓવર, ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટરના ૪૯.૮૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલ નવીન સંકુલના ઇ-લોકાર્પણનો સમાવેશ થાય છે.

રૂપાલ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે સમારંભને સંબોધનમાં જણાવ્યું હતું કે, આજરોજ વહેલી સવારે ભગવાન શ્રી જગન્નાથજીની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેવાના સૌભાગ્ય બાદ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે વરદાયિની માતાના દર્શન કરવાનો મને અવસર પ્રાપ્ત થયો તે માટે હું ધન્યતા અનુભવું છું અને દેશની ૧૩૦ કરોડથી વધુ જનતા સુખી, સમૃદ્ધ અને નીરામયી બને તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું. એક જમાનો હતો કે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં રથયાત્રાનો પવિત્ર તહેવાર આવે એટલે નાગરિકોના જીવ પડીકે બંધાતા, હુલ્લડો-રમખાણો થતાં, ભગવાન શ્રી જગન્નાથજીના રથને હાની પહોંચાડવાના પ્રયાસો થતા. રાજ્યની મહાન જનતાએ જ્યારે ભાજપાને સુકાન સોંપ્યું ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીથી લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં ભાજપના શાસનમાં રથયાત્રામાં કાંકરીચાળો કરવાની પણ કોઈનામાં હિંમત નથી. ભગવાન શ્રી જગન્નાથજી દર વર્ષે પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે અને ભક્તોનું ઘોડાપૂર તેમના દર્શન કરવા માટે ઊમટે છે.

રૂપાલ મહાભારતના પ્રાચીન કાળથી ઇતિહાસનું સાક્ષી રહેલું ગામ
શાહે વધુમાં જણાવ્યું હતું કે, રૂપાલ મહાભારતના પ્રાચીન કાળથી ઇતિહાસનું સાક્ષી રહેલું ગામ છે આ જ વરદાયિની માતાના સાનિધ્યથી પાંડવોએ અધર્મીઓ પર વિજય પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે ખીજડાના વૃક્ષ નીચે અજ્ઞાતવાસનો પ્રારંભ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ રૂપાલ સ્થિત વરદાયિની માતાના મંદિરનો પ્રસાદ યોજનામાં સમાવેશ કરીને સમગ્ર ભારતના નકશા પર રૂપાલને આગવું સ્થાન મળે તે સુનિશ્ચિત કર્યું છે. પ્રસાદ યોજનામાં સમાવેશ થવાને કારણે રૂપાલમાં વિકાસની તકો વધશે આપણા ઐતિહાસિક વારસાના સ્થાનોને સાંકળી તેમને પુનર્જીવિત કરવામાં આવશે, રોડ-રસ્તા, પાણી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધાર થશે જેનાથી આગામી સમયમાં રૂપાલ એ ગુજરાત અને દેશના સૌથી સુપ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક બનશે.

અમિત શાહ ૭ વર્ષની ઉંમરે વરદાયિની માતાજી મંદિરે પલ્લીમાં માનતા પૂર્ણ કરવા આવ્યા હતા
શાહે જણાવ્યું હતું કે, વરદાયિની માતાજીના મંદિરમાં અનેકો વર્ષોથી ચાલતી પલ્લી પરંપરા સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. પલ્લી જેવી પરંપરા વિશ્વમાં ક્યાંય જોઈ નથી. અનેક નાગરિકો માનતા માને અને તે પૂર્ણ થયા બાદ મા વરદાયિનીના સાનિધ્યમાં પલ્લીમાં આવીને ઈચ્છા પૂર્ણ થયાનો આનંદ વ્યક્ત કરે છે. માં વરદાયિની માતાનું મંદિર ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું બહુ મોટું સ્થાન છે. આ પ્રસંગે અમિત શાહે તેમના બાળપણમાં ૭ વર્ષની ઉંમરે વરદાયિની માતાજી મંદિરે પલ્લીમાં માનતા પૂર્ણ કરવા આવેલા તેમજ વિદ્યાર્થીકાળમાં શ્રાવણ માસના સોમવારે વાસણીયા મહાદેવ મંદિરના મેળામાં મિત્રો સાથે ચાલતા આવવા સહિતના સંભારણા વાગોળ્યા હતા.

રૂપાલ ગામનું તળાવ પિકનિક સ્પોટ બનશે
શાહે વધુમાં કહ્યું હતું કે, રૂપાલમાં નિર્માણ પામનાર નવું તળાવ ગામની ગતિવિધિઓનું કેન્દ્ર બનશે. તળાવ પરિસરમાં મોર્નિંગ વોક, પિકનિક સ્પોટ, બાળકોને રમવાની વ્યવસ્થા, પર્યાપ્ત લાઇટિંગ, યોગ-વ્યાયામની સુવિધા, ફૂડ કોર્ટ તેમજ બોટિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવનાર છે સાથે સાથે તળાવની આસપાસ લાંબુ આયુષ્ય ધરાવતા વૃક્ષો મારફત વનીકરણ પણ કરવામાં આવશે. વાસણ ખાતે નિર્માણ પામનાર તળાવ પણ ગામના લોકો માટે ઘણું ઉપયોગી સાબિત થશે.

Most Popular

To Top