Gujarat

CM જેમને લાવ્યાં હતા તેમજ ટાઉન પ્લાનિંગ અધિકારી વાઘેલાની હકાલપટ્ટી

ગાંધીનગર : ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રીની (CM) કચેરીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરજ બજાવી રહેલા અને સચિવાલયમાં ‘સફેદ બગલો’ તરીકે જાણીતા નિવૃત્ત પ્લાનિંગ અધિકારી વી. ડી. વાઘેલાને આખરે વિદાય આપી દેવામાં આવી છે. આ અધિકારીને ખુદ મુખ્યમંત્રી લઇ આવ્યા હતા પરંતુ તેમણે ફરજ દરમ્યાન સરકારનું નહીં, પ્રિતિપાત્ર વ્યક્તિઓનું કામ કર્યું હોવાની જાણ થતાં તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. સીએમના અધિક પીઆરઓ હિતેશ પંડયા બાદ આ બીજી હકાલપટ્ટી કહી શકાય. જેમાં ખુદ સીએમઓના અધિકારીની વિદાય થઈ છે.

બીજી ટર્મમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુબ બદલાયેલા છે, ભ્રષ્ટ અધિકારીઓને પાણીચું આપવામાં દાદા હવે કોઈ વિલંબ કરતાં નથી. મહાઠગ જેમ પીએમઓના અધિકારી તરીકે છેક જમ્મુ કાશ્મીરમાં એક મહિના સુધી ઝેડ પ્લસ સીકયુરિટીનો લાભ લઈને સીન સપાટા કર્યા હતા તેવું કોઈ ગાંધીનગરમાં સચિવાલયમાં ના કરી જાય , તે માટે હવે દાદાની સરકાર આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ આધારિત એક એક સીકયુરિટી પ્રોજેકટ પણ સીએમ ઓફિસમાં અમલી બનાવવા જઈ રહયા છે. ગઇકાલે મોડી સાંજે ફાઇલ વર્ક દરમ્યાન વી.ડી. વાઘેલાને બોલાવીને ફરજમાં નહીં આવવાનું કહી દેવામાં આવ્યું છે. તેમની ખાલી પડેલી જગ્યાએ સીએમઓના ઉચ્ચ અધિકારીઓએ ત્રણ નામોની પેનલ મુખ્યપ્રધાનને આપી છે. જેમાંથી કોઇ એક અધિકારીને પસંદ કરીને મુખ્યમંત્રી દ્વારા નિયુક્તિ આપવામાં આવે તેવી સંભાવના છે. પોઝીટીવ તથા રિઝલ્ટ ઓરિએન્ટેડ અધિકારીની શોધ ચાલી રહી છે. ટૂંક દિવસોની અંદર આ નવા ટાઉન પ્લીનીંગ અધિકારીની નિમણૂંક કરી દેવાશે, કારણ કે શહેરી વિકાસ વિભાગની કેબીનેટ મંત્રી તરીકે જવાબદારી ખુદ સીએમ પોતે સંભાળી રહયા છે.

વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ મુખ્યમંત્રી પટેલ વી.ડી.વાઘેલાને લઈ આવ્યા હતા
રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી વર્તમાન મુખ્યમંત્રી દાદા તેમની ટર્મમાં વી.ડી. વાઘેલાને લઇ આવ્યા હતા. તેઓ નિવૃત્ત હતા પરંતુ તેમના કામનો અનુભવ જોઇને મુખ્યમંત્રીએ તેમની કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નિયુક્તિ કરી હતી. જો કે આ ઓફિસરની છાપ નેગેટીવ માનસિકતાવાળા અધિકારી તરીકે જાણીતી બની હતી. સરકારમાં કાયદેસરના કામો માટે આવતી ફાઇલોને ચિતરી નાંખવાની તેમની આદત હતી, જે તેમને ભારે પડી છે. કેટલાક ચોક્કસ બિલ્ડર જૂથો અને પ્રિતિપાત્ર વ્યક્તિઓના કામ કરવા ટેવાયેલા આ અધિકારી વિધાનસભાની ચૂંટણી પછી પણ ચાલુ રહ્યાં હતા, પરંતુ ફરિયાદોની સંખ્યા વધી જતાં ગઇકાલે મોડી સાંજે તેમને ઓફિસ નહીં આવવાનું કહેવામાં આવ્યું છે. બે દિવસ અગાઉ ખુદ સીએમના ખાસ ફરજ પરના અધિકારી નૈનેશ દવેની પણ સાબરકાંઠા કલેકટર તરીકે બદલી કરી દેવાઈ છે.

CM એપોઇન્ટમેન્ટ માટે પરાગ શાહને હવાલો
મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બદલી થયેલા એનએન દવેના સ્થાને મુખ્યમંત્રીએ ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી (એપોઇન્ટમેન્ટ) નો હવાલો પરાગ શાહને સોંપ્યો છે, જ્યારે સીએમ ઓફિસના એડિશનલ ટાઉન પ્લાનર વીડી વાઘેલા (નિવૃત્ત) નું નામ સીએમના ઓફિસરોની યાદીમાંથી કમી કરવામાં આવ્યું છે. આ જગ્યાએ હજી સુધી નવી નિયુક્તિ થઇ નથી.

Most Popular

To Top