ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તેમજ ભુપેન્દ્ર પટેલ ફરી એકવાર ગુજરાતની ગાદી સંભળાશે. પરંતુ ગુજરાતનાં રાજકારણ એક સમય એવો આવ્યો હતો કે વિજય રૂપાણી કે જેઓ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી છે તેઓએ અચાનક મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું અને ગુજરાતમાં નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત થઇ અને દાદા ધારાસભ્યમાંથી બની ગયા મુખ્યમંત્રી.. ધારાસભ્યથી લઇને મુખ્યમંત્રી સુધી તેઓની રાજકીય સફર કેવી રહી આવો જાણીએ.
રસપ્રદ છે રાજકીય સફર
ગુજરાતની આ ચૂંટણી જેટલી રસપ્રદ રહી છે તેટલી જ રસપ્રદ ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર છે. 15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમના પિતાનું નામ રજનીકાંત અને પત્નીનું નામ હેતલ પટેલ છે. તેમને કેતન પટેલ નામનો એક ભાઈ છે. તેઓને એક પુત્ર છે જેનું નામ અનુજ પટેલ છે. ભૂપેન્દ્ર પટેલની વહુનું નામ દેવાંશી પટેલ છે. ભૂપેન્દ્ર પટેલને લોકો પ્રેમથી ‘દાદા’ કહે છે. જ્યારે પીએમ મોદી તેમને મક્કમ (અદિગ) અને મૃદુ સીએમ કહે છે. કડવા પાટીદાર સમાજના ભૂપેન્દ્ર પટેલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા પછી બિલ્ડર રહ્યા હતા. તેઓ આરએસએસ સાથે જોડાયેલા રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓએ પણ પાટીદાર આંદોલનને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તેમજ અનેક પાટીદાર સંગઠનોના વડા પણ છે.
2017માં આવ્યો મોટો ટર્ન
તેમની રાજકીય સફર 1995થી શરૂ થઈ હતી. તેઓ મેમનગર પાલિકાના સભ્યની ચૂંટણી લડ્યા હતા અને વિજયી થયા હતા. 1999 અને 2004માં પણ તેમનો વિજય રથ ચાલુ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન તેઓ પાલિકાના ચેરમેન પણ હતા. 2008 થી 2010 સુધી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપપ્રમુખ હતા. 2015 થી 2017 વચ્ચે અમદાવાદ શહેરી વિકાસ બોર્ડના ચેરમેન તરીકેનું કામ સંભાળ્યું. વર્ષ 2017ની ચૂંટણીએ તેમની કારકિર્દીમાં નવો વળાંક લીધો. તેઓ પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ઘાટલોડિયાથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને 1.17 લાખ મતોથી બમ્પર જીત મેળવી હતી.
પીએમ મોદી પણ તેઓની કામ કરવાની કળાથી ખુશ
પોતાના કામની સ્ટાઈલથી તેણે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સામે પોતાની અલગ ઈમેજ બનાવી છે. બંને નેતાઓને પટેલમાં વિશ્વાસ છે. તેઓ પૂર્વ સીએમ આનંદીબેન પટેલના નજીકના ગણાય છે. આનંદીબેન પટેલ તેમના રાજકીય માર્ગદર્શક હોવાનું કહેવાય છે. CM તરીકેના તેમના 15 મહિનાના કાર્યકાળ દરમિયાન, ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં ગેરકાયદેસર બાંધકામો પર કડક કાર્યવાહી કરતાં બુલડોઝર દોડાવી દીધું હતું. પીએમ મોદી પણ તેમના વખાણ કર્યા વગર ન રહી શક્યા.
મુખ્યમંત્રી પાસે છે આટલી મિલકત
આ વખતે ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની મિલકતનો ઉલ્લેખ કર્યો છે. આ હિસાબે તેમની પાસે કુલ આઠ કરોડ 22 લાખ રૂપિયાની સંપત્તિ છે. ભૂપેન્દ્ર પટેલના નામે કોઈ જમીન નથી પરંતુ પત્ની હેતલબેનના નામે 16 લાખ 30 હજારની કિંમતની જમીન છે. તેમની પાસે 2 લાખ 15 હજાર 450 રૂપિયા રોકડા છે જ્યારે તેમની પત્ની પાસે 3 લાખ 52 હજાર 350 રૂપિયા છે. સીએમ પાસે લગભગ 25 લાખ છે, જ્યારે તેમની પત્ની પાસે 47 લાખ 50 હજાર રૂપિયાના દાગીના છે.