વ્યારા: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ વ્યારા સ્થિત કાનપુરા (Kanpura) ખાતે રમતગમત સંકુલના નિર્માણ કાર્યનુ નિરીક્ષણ કર્યું હતું. રૂ.૨૮.૬૯ કરોડના ખર્ચે અદ્યતન સગવડો સાથે આકાર પામનાર આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ (Sports Complex) દ્વારા જિલ્લામાં વિવિધ રમત ગમતના ખેલાડીઓને તૈયાર કરવા સાથે આ કોમ્પ્લેક્સ ફક્ત તાપી જિલ્લા પૂરતું જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિવિધ રમતોના આયોજનમાં બહુ ઉપયોગી સાબિત થશે.
આ સંકુલમાં ઇનડોર મલ્ટિપર્પઝ હોલ જેમાં બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, શૂટિંગ રેન્જ, યોગા, જીમ તથા જુડોની રમતો તમામ સાધન સુવિધાયુક્ત હોલનું નિર્માણ માટે રૂપિયા ૫.૫૦ કરોડની વહીવટી મંજૂરી મેળવી કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેની ૩૫ ટકા કામગીરી હાલ પૂર્ણ થઈ છે. સંપૂર્ણ કામગીરી અંદાજિત ૩૧ ડિસેમ્બર સુધી કામગીરી પૂર્ણ થશે. આ ઉપરાંત વોલીબોલના ૨, ખો-ખો-૧, કબડ્ડી-૨ તથા પ્રેક્ટિસ આર્ચરીના આઉટડોર ગ્રાઉન્ડના બાંધકામ માટે અંદાજિત રૂપિયા ૦૧ કરોડ વહીવટી મંજૂરી મેળવી કામનો પ્રારંભ કરી જેની ૮૦ ટકા કામગીરી હાલ પૂર્ણ થઈ છે.
આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ દ્વારા તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રમતગમતના ખેલાડીઓ માટે સ્પોર્ટસમાં કારકિર્દી બનાવવા પાયારૂપ ભૂમિકા અદા કરશે. આ પ્રસંગે પીઆઇયુ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત મુખ્ય ઇજનેર અશોક વનારાએ સ્પોર્ટસ ગ્રાઉન્ડના ડેમો મોડેલ સહિત વિવિધ સુવિધાઓ અંગે વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રીને આપી હતી. મુખ્યમંત્રીએ આ સ્પોર્ટ્સ સંકુલ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી “હર ઘર તિરંગા”કાર્યક્રમની થિમ સોંગ અંગે જાણકારી ઉપસ્થિતોને આપવામાં આવી હતી. આ થિમ સોંગનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.