Gujarat

વિધાનસભામાં ‘ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક’ પસાર: હવે હોસ્પિટલોના રજિસ્ટ્રેશનની મુદત સરકાર નક્કી કરી શકશે, લેભાગુ તત્વો પર કસાશે લગામ

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત ખાનગી ક્લિનિક્સ, હોસ્પિટલો અને લેબોરેટરીઓના રજિસ્ટ્રેશન અને નિયમન પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાના હેતુથી ‘ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-૨૦૨૬’ આજે વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું હતું. આ સુધારા દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા અને બિનઅધિકૃત પ્રેક્ટિસ કરતા તત્ત્વો સામે કડક કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે.
સમયમર્યાદામાં મહત્વનો ફેરફાર

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, અગાઉ રજિસ્ટ્રેશન માટે ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધીની અંતિમ મુદત નક્કી કરવામાં આવી હતી. જોકે, વહીવટી સરળતા માટે હવે આ ચોક્કસ તારીખની સમયમર્યાદા દૂર કરવામાં આવી છે. નવા સુધારા મુજબ, રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામા દ્વારા વખતોવખત રજિસ્ટ્રેશનની મુદત નક્કી કરી શકશે. આ ફેરફારથી વારંવાર કાયદામાં સુધારો કરવાની જરૂરિયાત રહેશે નહીં અને સરકાર જરૂરિયાત મુજબ સમયમર્યાદામાં ફેરફાર કરી શકશે.

લેભાગુ તત્ત્વો સામે કડક કાર્યવાહી

પાનશેરિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ્ય લાયકાત ધરાવતા ડોક્ટરોને કાયદાકીય રક્ષણ આપવાનો અને લાયકાત વગર પ્રેક્ટિસ કરતા લેભાગુ તત્ત્વો દ્વારા થતી છેતરપિંડી અટકાવવાનો છે. જો કોઈ ચિકિત્સા સંસ્થા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે નીચે મુજબના કડક પગલાં લેવાશે.

  • ભારે દંડ: નિયમોના ભંગ બદલ ₹૧૦ હજારથી લઈને ₹૫ લાખ સુધીના દંડની જોગવાઈ.
  • રજિસ્ટ્રેશન રદ: ગંભીર બેદરકારી કે છેતરપિંડીના કિસ્સામાં સંસ્થાનું રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવશે.
  • દંડાત્મક પગલાં: નિયત સમયમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર સંસ્થાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.

વર્તમાન સ્થિતિ
રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૪૧ હજાર જેટલાં કામચલાઉ (પ્રોવિઝનલ) અને ૨ હજાર જેટલાં કાયમી રજિસ્ટ્રેશન થઈ ચૂક્યાં છે. નવા સુધારા મુજબ, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ પછી પણ જો સરકાર ઈચ્છે તો જાહેરનામા દ્વારા કામચલાઉ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ રાખી શકશે.આ વિધેયક પસાર થવાથી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળશે અને તબીબી ક્ષેત્રે વધુ પારદર્શિતા આવશે તેવો વિશ્વાસ સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top