ગાંધીનગર : નાણાં મંત્રી (Finance Minister) કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત (Gujarat) વિધાનસભામાં રજુ કરેલા બજેટને (Budget) પ્રદેશ ભાજપની (BJP) નેતાગીરીએ આવકાર આપ્યો છે. બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે, આ બજેટ અત્યાર સુઘીનું સૌથી વધુ 3 લાખ 1 હજાર 22 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતા વધુ રકમનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં નવા કોઇ કરવેરો નહી તેમજ જૂના કરવેરામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. દરેક વર્ગની અપેક્ષા સાકાર કરનારુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજયનું આ બજેટ આવનાર પાંચ વર્ષના રોડ મેપને ધ્યાને રાખી રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ લોક હિતકારી અને લોક ઉપયોગી બજેટ છે. આ બજેટ યુવાનો મહિલાઓ, આદિવાસી સમાજ, પ્રવાસન અને રોજગાર વધે તે રીતનું બજેટ રજૂ કરાયું છે. આ બજેટ વિકસીત ગુજરાતને વધુ વેંગવતું બનાવશે અને જનતાની અપેક્ષાઓ પરિપુર્ણ કરવામાં બજેટ મદદરૂપ નીવડશે. રાજયના અરવલ્લી, છોટાઉદેપુર, મહિસાગર અને ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થપાશે તેમજ અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ બજેટ આત્મનિર્ભર ભારતની નેમ અને વિકસીત ગુજરાતના પાયાને વધુ મજબૂત કરનારું છે.