ગુજરાતમાં Bharatiya Janata Partyએ પોતાના સંગઠનમાં મહત્વના ફેરફારો કર્યા છે. પ્રદેશ પ્રમુખ દ્વારા મીડિયા ટીમને વધુ મજબૂત બનાવવા માટે 7 સહ-પ્રવક્તા અને 2 મીડિયા સહ-ઈન્ચાર્જની નવી નિમણૂંકો જાહેર કરવામાં આવી છે. આવનારી રાજકીય ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને અનુભવી નેતાઓ અને પ્રભાવશાળી ચહેરાઓને આ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જાહેર કરાયેલા સહ-પ્રવક્તાઓમાં વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ, અશ્વિનભાઈ બેંકર (કર્ણાવતી), જયરાજસિંહ પરમાર (મહેસાણા), ઘનશ્યામભાઈ ગઢવી (અમદાવાદ જિલ્લો), મનજીભાઈ આહીર (કચ્છ), સુરતના પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા અને શ્વેતાબેન બ્રહ્મભટ્ટ (કર્ણાવતી)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મીડિયા વિભાગની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ઝુબીન આશરા (કર્ણાવતી) અને કલ્પ પટેલ (ગાંધીનગર શહેર)ને મીડિયા સહ-ઈન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નવી ટીમમાં વિવિધ વિસ્તારોના નેતાઓને સ્થાન આપવાથી પ્રદેશ સ્તરે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વલસાડના સાંસદ અને સુરતના પૂર્વ મેયરને મહત્વની જવાબદારી આપવાથી ભાજપ મીડિયા અને સોશિયલ મીડિયા બંને ક્ષેત્રોમાં પોતાનો પ્રભાવ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રદેશ પ્રમુખની મંજૂરી બાદ આ નવી યાદી તાત્કાલિક અમલમાં મુકાઈ છે.