ગાંધીનગર,તા.10
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં નોંધપાત્ર વિકાસ થયો છે. વિધાનસભામાં પ્રવાસન વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો જવાબ આપતા સીનીયર મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2001-02માં રાજ્યનું પ્રવાસન બજેટ માત્ર ₹12 કરોડ હતું, જે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધીને ₹2101.02 કરોડ સુધી પહોંચી ગયું છે. જ્યારે પ્રવાસન, દેવસ્થાન વ્યવસ્થાપન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ સહિત સમગ્ર પ્રવાસન પ્રભાગ માટે કુલ ₹3089.63 કરોડની અંદાજપત્રિય જોગવાઈ કરવામાં આવી છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સક્રિય નીતિઓના પરિણામે ગત વર્ષે રેકોર્ડબ્રેક 22.27 કરોડ પ્રવાસીઓએ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે. ભારત સરકારના ‘ઇન્ડિયા ટુરિઝમ ડેટા કમ્પેન્ડિયમ-2025’ મુજબ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત આજે દેશભરમાં ત્રીજા ક્રમે છે.પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મહેસાણા VGRCમાં ₹1236 કરોડ તથા કચ્છ-રાજકોટ VGRCમાં ₹1527 કરોડના રોકાણ માટે MoU કર્યા છે. સાથે જ PPP મોડ અને કોર્પોરેટ કાર્યશૈલીને પ્રોત્સાહન આપવા ‘ગુજરાત-ટુર ડેવલપમેન્ટ કંપની’ (SPV) અને “ગુજરાત પ્રવાસન એડવાઇઝરી કાઉન્સિલ”ની સ્થાપનાની પણ જાહેરાત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભણેલી નડિયાદની N.K. હાઈસ્કૂલને હેરિટેજ સ્થળ તરીકે વિકસાવવા માટે ₹5 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત જૂનાગઢ ખાતે ગિરનારની તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે ₹15 કરોડની જોગવાઈ કરાઈ છે.સાથે જ રાજ્યના યાત્રાધામોને ‘સ્માર્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવવાનો સરકારનો સંકલ્પ હોવાનું પણ વાઘાણીએ જણાવ્યું હતું. વિધાનસભા ગૃહમાં અંતે પ્રવાસન પ્રભાગની ₹3089.63 કરોડની અંદાજપત્રિય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી.