નવી દિલ્હી: ગુજરાત (Gujarat) રમખાણો પર બનેલી BBCની ડોક્યુમેન્ટ્રીને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. આ દરમિયાન વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવ્યું છે તેમણે દેશવાસીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે દેશમાં લોકો વચ્ચે તિરાડ ઊભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ અંગે જાગૃત રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે આવા પ્રયાસો સફળ નહીં થાય. આ માટે પીએમે સમગ્ર દેશવાસીઓને ચેતીને રહેવા જણાવ્યું છે.
શનિવારના રોજ કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી (નેશનલ કેડેટ કોર્પ્સ) રેલીને સંબોધતા વડા પ્રધાને કહ્યું કે ‘એકતા’નો મંત્ર ભારતને મહાન બનાવવાનો એકમાત્ર રસ્તો છે. તેમણે કહ્યું, “આજે સમગ્ર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે. અને તેની પાછળનું સૌથી મોટું કારણ તમે છો, ભારતના યુવાનો.
મોદીએ કહ્યું, “સ્વતંત્ર ભારતમાં, દેશ માટે દરેક ક્ષણ જીવવાની રીત આપણને વિશ્વમાં નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. દેશ તોડવા માટે અનેક બહાના મળે છે. તેમણે કહ્યું લાખો પ્રયત્નો કરો, ભારતમાં ક્યારેય કોઈ પણ તિરાડ ના પડી શકે. તેમણે કહ્યું, “એકતાનો મંત્ર એક મહાન દવા છે, એક મહાન શક્તિ છે. આ સંકલ્પ ભારતના ભવિષ્ય માટે એકતાનો મંત્ર પણ છે, તે ભારતની ક્ષમતા પણ છે અને ભારત માટે ભવ્યતા પ્રાપ્ત કરવાનો આ એકમાત્ર રસ્તો છે. આપણેએ માર્ગે જીવવાનું છે, એ માર્ગ પર આવતા અવરોધો સામે લડવાનું છે.
બીબીસીની ડોક્યુમેન્ટ્રીના વિવાદ વચ્ચે નિવેદન આવ્યું છે
ગુજરાતમાં 2002 પછીના ગોધરા રમખાણો પર બીબીસીની એક ડોક્યુમેન્ટ્રી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે વડાપ્રધાનનું નિવેદન આવ્યું છે. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી સંગઠનોએ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગને લઈને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે વિવાદ થયો હતો.