ગાંધીનગર,
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ વિદેશમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ ‘એટોમિડેટ’ (Etomidate) પાવડર એક્સપોર્ટ કરવાના કૌભાંડમાં મોટી સફળતા મેળવી છે. આ કેસમાં ATS એ વધુ ૨૨ કિલોગ્રામ એટોમિડેટ જપ્ત કરી બે વધુ આરોપીઓની ધરપકડ કરી છે.
એટોમિડેટ એ એક પ્રતિબંધિત નશીલો પદાર્થ છે, જેનો દુરુપયોગ નશા માટે કરવામાં આવતો હોય છે.
મુખ્ય વિગતો
- જપ્ત કરેલ જથ્થો: ૨૨ કિલોગ્રામ એટોમિડેટ પાવડર.
- ધરપકડ કરાયેલ નવા આરોપીઓ: (૧) ચેતન કનુભાઈ વાવડીયા અને (૨) ભૌતિક દામજીભાઈ પદમણી.
- અગાઉ પકડાયેલ આરોપી: નિકુંજભાઈ હરેશભાઈ ગઢીયા (રહે. કતાર ગામ – સુરત).
કેવી રીતે આચરવામાં આવતું હતું કૌભાંડ ?
એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ એટોમિડેટ પાવડરને ‘એલોવેરા પાવડર’ અને ‘ગીનોપોલ-૨૪ પાવડર’ જેવા ખોટા નામથી મિસલેબલીંગ કરતા હતા. તેઓ મુંબઈ એરપોર્ટથી થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપુર જેવા દેશોમાં ખોટા બિલ અને બનાવટી કસ્ટમ ક્લિયરન્સના આધારે આ નશાકારક પદાર્થ મોકલતા હતા.
તપાસની કાર્યવાહી
ATS દ્વારા ગત ૦૭/૦૩/૨૦૨૬ ના રોજ ગુનો નોંધી નિકુંજ ગઢીયાની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ અને કંપનીની ઓફિસમાં તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે:
- આરોપીઓએ મલેશિયા મોકલવા માટે ૦૬ પાર્સલ તૈયાર કર્યા હતા, જેનું કુલ વજન ૨૫.૫ કિલો હતું.
- આ પૈકી ૨૨ કિલોગ્રામ એટોમિડેટ હોવાનું રમણ સ્પેક્ટ્રોગ્રાફ ડ્રગ ડિટેક્ટર કીટ દ્વારા સાબિત થયું છે.
- આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.