ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ દેશની સુરક્ષાને જોખમમાં મૂકે તેવી જાસૂસી પ્રવૃત્તિનો ભંડાફોડ કરીને બે મહત્વપૂર્ણ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. ATSએ દમણ અને ગોવા બે અલગ રાજ્યોમાં ઓપરેશન ચલાવી એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનને પકડ્યા છે. બંને પર પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીઓને દેશની સંવેદનશીલ માહિતી પહોંચાડવાનો ગંભીર આરોપ છે.
દમણ અને ગોવામાંથી જાસૂસોની ધરપકડ
માહિતી મુજબ ATSએ દમણમાંથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલાને ઝડપી લીધી છે. જેના પર પાકિસ્તાની હેન્ડલર સાથે સતત સંપર્ક રાખવાનો શંકા છે. બીજી તરફ ગોવામાંથી પકડાયેલો આરોપી એ.કે. સિંહ ભારતીય સેનામાં સુબેદાર તરીકે સેવા આપી ચૂક્યો છે. તેની ધરપકડ ATS માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. કારણ કે પૂર્વ આર્મી જવાન દ્વારા લિક થતી માહિતી અત્યંત સંવેદનશીલ હોઈ શકે છે.
પાકિસ્તાની એજન્સીને આર્થિક અને માહિતી આધારિત મદદ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓ પાકિસ્તાની જાસૂસો સાથે સીધો સંપર્ક રાખતા હતા. એ.કે. સિંહ પર આર્થિક મદદ પહોંચાડવાનો પણ આરોપ છે. તે દેશના સંવેદનશીલ વિસ્તારો વિષે માહિતી એકત્રિત કરીને પાકિસ્તાની હેન્ડલરોને મોકલતો હતો. મહિલા આરોપી પણ દેશ વિરોધી નેટવર્કનો સક્રિય ભાગ હોવાનું ATSના સૂત્રો જણાવે છે.
ATS દ્વારા તપાસ તેજ
હાલ ATS બંનેને રિમાન્ડ પર લઈને આ નેટવર્ક પાછળ કાર્યરત અન્ય લોકો સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. અત્યાર સુધીમાં કેટલી ગુપ્ત માહિતી લીક થઈ છે અને આ નેટવર્ક કેટલું મોટું છે તેની તપાસ પણ ચાલુ છે. ATSએ જણાવ્યું છે કે આ લોકો કઈ રીતે પાકિસ્તાની એજન્સી સાથે જોડાયા, તેમની ભૂમિકા શું હતી અને તેમના સંપર્કો ક્યાં સુધી છે. તે બધાની વિગત બહાર કાઢવામાં આવશે.
ગુપ્તચર વિભાગનું માનવું છે કે બંનેની ધરપકડ સાથે મોટા જાસૂસી ગેંગનો પર્દાફાશ થવાની શક્યતા છે. આ કાર્યવાહીથી દેશની સુરક્ષા એજન્સીઓએ મોટી રાહત અનુભવી છે.