Gujarat

રખડતા ઢોરની સમસ્યા નિવારવા 50 કરોડની જોગવાઈ કરાઈ

ગાંધીનગર: રાજ્યમાં રખડતા ઢોરોની (Stray cattle) સમસ્યા ઉકેલવા માટે રાજય સરકાર પગલા ભરી રહી છે , જેના પગલે રખડતા ઢોરની સમસ્યા નિયંત્રણ આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં રખડતા-બિનવારસી ગૌવંશના પશુઓને યોગ્ય રહેઠાણ અને માવજતની વ્યવસ્થા મળશે તેવું આયોજન કરવામાં આવી રહયુ છે. ગ્રામ્ય વિસ્તારમાં રખડતા-બિનવારસી ગૌવંશના પશુઓની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વ્રારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ. ૫૦ કરોડની જોગવાઇ સાથે નવી યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના થકી ગ્રામ્ય વિસ્તારમાં બિનવારસી રખડતા ગૌવંશના પશુઓ માટે આશ્રયસ્થાન પુરૂ પાડવાનો, આશ્રયસ્થાનમાં પશુઓના નિભાવ, આરોગ્ય અને સારસંભાળની યોગ્ય વ્યવસ્થાઓ પૂરી પાડવાનો છે. આ યોજનાથી રાજ્યની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી રખડતા પશુઓના નિયંત્રણની કામગીરીને વેગ મળશે.

આ યોજના અંતર્ગત તા. ૦૧-૦૪-૨૦૨૨ પહેલાં પબ્લિક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ રાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત ગૌશાળા, પાંજરાપોળ તથા સ્વૈછિક સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કે જે બિનવારસી ગૌવંશના પશુઓને સ્વીકારે તેમજ કાયમી ધોરણે નિભાવે તે સંસ્થાઓ કલેકટર તથા મામલતદારની ભલામણ મુજબ સહાય માટે પાત્ર ગણાશે. આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા બિનવારસી ગૌવંશના પશુઓને પાત્રતા ધરાવતી ગૌશાળા, પાંજરાપોળ, સ્વૈછિક સંસ્થાઓ અથવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ખાતે મૂકવામાં આવે તો આવા પશુઓના નિભાવ માટે પશુ દીઠ રૂા. ૩૦/- પ્રતિ દિનના ધોરણે સંસ્થાઓને સહાય આપવામાં આવશે. સંસ્થા ખાતેના આવા પશુઓના નિભાવ, આરોગ્ય અને સારસંભાળની વ્યવસ્થા જે તે સંસ્થાએ રાજ્ય સરકારના પશુપાલન ખાતા દ્વારા અમલમાં મુકાયેલ યોજનામાં આપવામાં આવતી સહાયમાંથી કરવાની રહેશે.

Most Popular

To Top