ગાંધીનગર : એક તરફ આવતા મહિને હવે વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત થઈ જશે ત્યારે હવે ભાજપ (BJP) સરકારનું બ્લડ પ્રેશર વધારે તે રીતે રાજ્યભરમાંથી કર્મચારીઓ જુની પેન્શન યોજનાનો અમલ ૨૦૦૫ પછી જોડાયેલા કર્મચારીઓ માટે પણ કરો, ફિકસ પગાર નાબુદી, કોન્ટ્રાકટ પ્રથા નાબુદી તેમજ ગ્રેડ પેની માંગણી સાથે ગાંધીનગર ઉમટી પડ્યા હતા. પથિકા શ્રમની સામે સત્યાગ્રહ છાવણી ખાતે સોમવારે સવારે વન રક્ષક તથા વનપાલ સહિતના કર્મચારીઓએ દેખાવો કર્યા હતા. આ કર્મચારીઓએ વન વિભાગના મુખ્યમથક એવા અરણ્ય ભવન ખાત જઈને પણ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યો હતો. બીજી તરફ આવતીકાલે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક મળનાર છે, જેમાં કર્મચારીઓના આંદોલન તથા તેઓની માંગણી પર ચર્ચા સાથે મહત્વના નિર્ણય લેવાય તેવી સંભાવના છે.
ગાંધીનગરમાં કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂતોનું આંદોલન સેન્ટ્રલ વિસ્ટામાં ચાલી રહ્યું છે, તેવી જ રીતે પોતાની પડતર માંગણીઓના સંદર્ભમાં માજી સૈનિકો પણ સચિવાલય ગેટ નં.- ૧ની સામે મંડપ બાંધીને આંદોલન કરી રહ્યા છે. ખાસ ઉલ્લેખનીય છે કે આ આંદોલન દરમિયાન એક માજી સૈનિકની તબિયત લથડતા તેમનું સારાવર દરમ્યાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નિધન થયું હતું. જેના કારણે આ આંદોલન આક્રમક બન્યુ છે. પંચાયતના આરોગ્ય કર્મચારીઓ પણ આંદોલન ચલાવી રહ્યા છે.
મહેસુલ અને પંચાયત વિભાગના કર્મચારીઓ આજે માસ સીએલ પર
વિવિધ મંડળ સાથે સંકળાયેલા કર્મચારીઓ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. તેના પગલે ગાંધીનગરમાં પોલીસ દ્વારા નાકાબંધી કરાઈ છે. સચિવાલય તરફ આવતા રસ્તાઓ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે. માજી સૈનિકો, કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂતો અને કલેક્ટર કચેરીના કર્મચારીઓ પણ પોતાની કેટલીક માગણીઓને લઇને ગાંધીનગરમાં ધરણા પર છે. મહેસુલ અને પંચાયત વિભાગના કર્મચારીઓ આજે માસ સીએલ પર છે. આ આંદોલકારી કર્મચારીઓના જણાવ્યા મુજબ તેઓ અગાઉ પણ સરકારને પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી ચુક્યા છે. જો કે હજુ સુધી તેના પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે આ તમામ માગણીઓ પર સરકાર કોઇ નિર્ણય લે તે માટે આજે માસ સીએલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.