Sports

અમન-અક્ષર-રિપલ અને બોલરોએ દિલ્હીને જીતાડ્યું

અમદાવાદ : આઇપીએલમાં (IPL) આજે અહીં રમાયેલી મેચમાં મહંમદ શમીની ઘાતક બોલિંગને પગલે મુશ્કેલીમાં મૂકાયેલી દિલ્હી કેપિટલ્સની (DC) ટીમને નવોદિત અમન હકીમ ખાને અર્ધસદી ફટકારવા ઉપરાંત ઓલરાઉન્ડર અક્ષર પટેલની સાથે 50 તેમજ રિપલ પટેલની સાથે 53 રનની ભાગીદારી કરીને 8 વિકેટે 130 રનના સ્કોર પર પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, 131 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સના બોલરોની અંકુશિત બોલિંગને કારણે હાર્દિક પંડયાની નોટઆઉટ અર્ધસદી છતાં ગુજરાત ટાઇટન્સ (GT) 6 વિકેટે 125 રન સુધી જ પહોંચી શકતાં દિલ્હીની 5 રને જીત થઇ હતી.

ગુજરાતની શરૂઆત પણ સારી રહી નહોતી અને 32 રનમાં તેમણે 4 વિકેટ ગુમાવી દીધી હતી. હાર્દિક પંડ્યા અને અભિનવ મનોહરે મળીને 62 રનની ભાગીદારી કરી હતી. અંતિમ બે ઓવરમાં 33 રનની જરૂર હતી ત્યારે 19મી ઓવરમાં એનરિક નોર્કિયાને રાહુલ તેવટિયાએ સતત 3 છગ્ગા ફટકારતા મેચમાં રોમાંચ આવ્યો હતો. અંતિમ ઓવરમાં જીતવા માટે જરૂરી 12 રન સામે ગુજરાત માત્ર 7 રન કરી શક્યું હતું.

ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનો નિર્ણય દિલ્હી કેપિટલ્સને ભારે પડ્યો હતો અને મહંમદ શમીની ઘાતક બોલિંગને કારણે પાવરપ્લેમાં જ તેમણે 23 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી અમન અને અક્ષરે મળીને 50 રનની ભાગીદારી કરી સ્થિતિ થોડી સુધારી હતી. અક્ષર 27 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 6 વિકેટે 73 રન થયો હતો. અમને તે પછી પોતાની અર્ધસદી પુરી કરવાની સાથે જ રિપલ પટેલ સાથે 53 રનની ભાગીદારી કરી હતી. સ્કોર 126 રન પર પહોંચ્યો ત્યારે અમન 44 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 51 રન બનાવીને આઉટ થયો હતો. રિપલ 13 બોલમાં 23 રન કરીને આઉટ થયો હતો. ગુજરાત ટાઇટન્સ વતી મહંમદ શમીએ 4 ઓવરમાં માત્ર 11 રન આપીને 4 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top