છેલ્લા બે વર્ષથી રૂપિયા ચૂકવવામાં પાલિકાના ગલ્લા તલ્લા


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ કામો કરતા કોન્ટ્રાક્ટરોમાં હવે વિરોધના સુર રેલાયા છે. જીએસટી ડિફરન્સ અને ભાવ વધારો મેળવવા માટે કોન્ટ્રાક્ટરો મેદાને આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છતાં આજ દિન સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. ત્યારે હવે જીએસટી ડિફરન્સ તેમજ ભાવ વધારો નહીં મળે તો કોન્ટ્રાક્ટરોએ કોર્ટે જવાની પણ ચીમકી ઉચ્ચારી દીધી છે.
કોર્પોરેશનના કામો કરતા કોન્ટ્રાક્ટર યતીન શાહનું કહેવું છે કે, રજૂઆત અમે કરી કરીને થાકી ગયા છે. છેલ્લા બે વર્ષથી આ જીએસટી જે 12 ટકાનું 18% થયું જે 6% લેવા પાત્ર અમારે છે અને પ્રાઈઝ એક્સટેન્શન કોવિડનું ગુજરાત સરકારનો પરિપત્ર થયેલ છે. આ બંને માટે પણ આજ દિન સુધી અમે છેલ્લા બે વર્ષથી રજૂઆતો કરી રહ્યા છે. આ મામલે અને અમારી ઉપર બહુ જ મોટો આર્થિક ભારણ દરેક કોન્ટ્રાક્ટરને આવી રહ્યું છે.


આ જીએસટીનું અને પ્રાઈઝ એક્સલેશનનો અમે છેલ્લા બે વર્ષથી મ્યુનિસિપલ કમિશનર થી લઈ બધાને ઘણી બધી વખત વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ થયું નથી. જેથી અમે એવું નક્કી કર્યું છે કે, હવે અમે આ મુદ્દો કોર્ટમાં લઈ જયશું અને કોર્ટમાંથી ન્યાય માંગીશું કારણ કે આનું આર્થિક ભારણ એટલું બધું છે કે કોઈ સહન કરી શકે તેમ નથી. પરિસ્થિતિ આગળ એવી પણ થાય કે કોન્ટ્રાક્ટરોને કામો બંધ કરવાની ફરજ પડે એવી શક્યતા પણ થાય.
રોડ વિભાગમાં દરેક કોન્ટ્રાક્ટરોની નાની મોટી રકમ હશે. અંદાજ આશરે 10 થી 15 કરોડ હશે. જો અમારી આ માંગ સ્વીકારવામાં આવે તો ખૂબ જ મોટી રાહત થાય તેમ છે. તમામ મહાનગર પાલિકાએ આ વસ્તુ ખાલી વડોદરા સિવાય આનું ચુકવણું કરી દીધું છે, પણ આપણે વડોદરામાં આ વખતે બજેટમાં એનું કોઈ પ્રોવિઝન લેવામાં આવ્યું નથી. એટલે અમને એવું લાગે છે કે આપવાનો કોઈ ઇરાદો નથી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રીનું આ મામલે કહેવું છે કે , કોન્ટ્રાક્ટરોની માંગણીથી આર્થિક ભારણની ગણતરી ચાલુ છે. આર્થિક ભારણનો અંદાજ કાઢવો અઘરો છે. અલગ અલગ મહાનગરપાલિકાઓએ લીધેલા પગલાંનો અભ્યાસ કરી સ્થાયી સમિતિના સભ્યો નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું.
