રાજય સરકારે 2025ના છેલ્લા દિવસે એસટી બસોના ભાડમાં 3 ટકાનો વધારો જાહેર કર્યો છે. જે આજે મધરાતથી અમલી બનવા જઈ રહયા છે. એટલે કે આવતીકાલ તા.1લી જાન્યુ.થી આ નવા દરો અમલી બની જશે.આ રીતે રાજય સરકારે એસટી બસોના પ્રવાસીઓને નવા વર્ષે ભાડા વધારાની ભેટ આપી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા પરિવહન સેવાઓને વધુ મજબૂત, આધુનિક અને સુવિધાયુક્ત બનાવવા માટે માત્ર 3% ભાડા વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એસ નિગમના સંચાલક મંડળે આ નિર્ણયને મંજૂરી આપી હતી, જે આજે રાત્રે મધરાતથી અમલમાં આવશે.
GSRTC દરરોજ 4,000થી વધુ બસો દ્વારા 32 લાખથી વધુ કિ.મી.નું અંતર કાપી 29 લાખ મુસાફરોને સેવા આપે છે. વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, પત્રકારો, શહીદ પરિવાર, રાજ્ય પદક વિજેતા ખેલાડીઓ સહિત અનેક વર્ગોને રિયાયતી કે મફત મુસાફરીની સુવિધા યથાવત રહેશે.
એસનિગમ દ્વારા છેલ્લા 14 માસમાં BS-6 ટેકનોલોજીથી સજ્જ 1,875 નવી બસો સેવામાં મૂકાઈ છે. સાથે સાથે સ્ટીપર, લક્ઝરી, સુપર ડિલક્સ અને મિની બસોની સેવાઓનો પણ વિસ્તારો થયો છે. છેલ્લા એક વર્ષમાં 13 નવા બસ સ્ટેશન અને ડેપોનું લોકાર્પણ થયું છે, જેનો લાભ દૈનિક 1 લાખથી વધુ પ્રવાસીઓ લઈ રહ્યા છે.ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગમાં 3,000 બસોમાં ETM મારફતે ડિજિટલ ચુકવણી શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં વધુ 4,500 બસોમાં આ સુવિધા લાગુ થશે.એસટી નિગમ દ્વારા આગામી વર્ષે 205 નવી બસો સેવામાં મૂકવાની યોજના છે તેમજ 2,320 કન્ડક્ટરોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, ભાડા વધારા બાદ પણ ગુજરાતનું લોકલ તથા એક્સપ્રેસ બસ ભાડું અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી ઓછું રહેશે.
એસટી નિગમના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી ૮૫% મુસાફરો (દરરોજ અંદાજીત ૧૦ લાખ જેટલા) ૪૮ કી.મી. સુધીની મુસાફરી કરે છે. જેમાં ૬ કી.મી. સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો થશે નહિ જ્યારે ૧૦ કી.મી. થી ૬૦ કી.મી. ના મુસાફરોને માત્ર રૂ.૧/- નો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેથી રાજ્યના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થવા પામશે.
આ ભાડા વધારા બાદ પણ અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાત એસ.ટી.નું લોકલ તથા એક્સપ્રેસ બસ ભાડું ઓછું રહેવા પામે છે. જેમ કે, લોકલ સર્વિસમાં પ્રતિ કી.મી /સીટ ગુજરાત- ૦.૬૧, મહારાષ્ટ્ર-૧.૬૮, ઉત્તરપ્રદેશ-૧.૩૦, મધ્યપ્રદેશ-૧.૨૫, આન્ધ્રપ્રદેશ-૧.૦૨ અને રાજસ્થાન- ૧.૦૦ જ્યારે એક્સપ્રેસ સર્વિસમાં પ્રતિ કી.મી /સીટ ગુજરાત- ૦.૬૭, મહારાષ્ટ્ર-૧.૬૮, ઉત્તરપ્રદેશ-૧.૬૪, મધ્યપ્રદેશ-૧.૩૮, આન્ધ્રપ્રદેશ-૧.૨૫ અને રાજસ્થાન-૧.૧૦ છે.