ગફલતભર્યું ડ્રાઇવિંગ, મધરાત્રે બંને લેનમાં ઘૂસી ઓવરટેક – લોકોના જીવ જોખમમાં
(પ્રતિનિધિ), વડોદરા. તા.7
વડોદરા શહેર અને આસપાસના હાઈવે પર અકસ્માતોની વધતી સંખ્યાએ ગંભીર ચિંતા ઉભી કરી છે. અકસ્માતો અટકાવવા માટે થોડા સમય પૂર્વે પોલીસ દ્વારા નેશનલ હાઈવે પર મેગાફોન મારફતે વાહનચાલકોને લેન ડિસિપ્લિનનું પાલન કરવા સતત સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ કેટલીક બેદરકાર ડ્રાઇવિંગની ઘટનાઓ દર્શાવે છે કે આ સૂચનાઓને અમુક ચાલકો ગંભીરતાથી લઈ રહ્યા નથી.

શહેર નજીક GSFC પાસે આવેલા હાઈવે પર મધરાત્રે એક બંધ બોડીના ટ્રક ચાલકે ઉતાવળ અને ગફલતભરી રીતે ટ્રક હંકારી બંને લેનમાં ઘૂસી જોખમી ઓવરટેક કર્યો હતો. ટ્રકની આ બેદરકારીને કારણે અન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને કોઈ પણ ક્ષણે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.

સ્થાનિકો અને હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકોના જણાવ્યા મુજબ, ટ્રક ચાલક લેન ડીસિપ્લિનનું પાલન કર્યા વગર મનમાની રીતે વાહન ચલાવી રહ્યો હતો. જો આ દરમિયાન કોઈ ગંભીર અકસ્માત થયો હોત તો તેની જવાબદારી કોણ લેત ? એવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

આ ગફલતભરી ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવી રહેલા એક વાહનચાલકે પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા, જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડિયોમાં સ્પષ્ટપણે ટ્રક ચાલક દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવે પર સતત થતી બેદરકાર ડ્રાઇવિંગને લઈને ટ્રાફિક પોલીસની કાર્યવાહી અને અસરકારક પેટ્રોલિંગ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે માત્ર જાહેરાતો નહીં, પરંતુ કડક કાર્યવાહી અને નિયમભંગ કરનારાઓ સામે કડક દંડ જ અકસ્માતોને અટકાવી શકે છે.