વડોદરા: GSFC યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ 18 ડિસેમ્બર 2025ના રોજ ફર્ટીલાઇઝરનગર, વડોદરા ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે સ્કૂલ ઓફ ટેકનોલોજી, સ્કૂલ ઓફ સાયન્સ તથા સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ લિબરલ આર્ટસના કુલ 632 વિદ્યાર્થીઓને (377 વિદ્યાર્થી અને 255 વિદ્યાર્થીનીઓ) ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ તરીકે “The First Missile Woman of India” તરીકે જાણીતા ડો. ટેસી થોમસ, વાઇસ ચાન્સેલર, NICHE, કન્યાકુમારી ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા વિવિધ પ્રવાહોમાં પ્રથમ ક્રમ મેળવનાર 14 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 11 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. નોંધનીય બાબત એ રહી કે ગોલ્ડ મેડલિસ્ટમાં 10 તથા સિલ્વર મેડલિસ્ટમાં 8 વિદ્યાર્થીનીઓએ સફળતા મેળવી હતી.

GSFC યુનિવર્સિટીના પ્રમુખ પી.કે. તનેજા (IAS નિવૃત્ત) દ્વારા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. દીક્ષાંત પ્રવચનમાં ડો. ટેસી થોમસે વિદ્યાર્થીઓને સતત શીખતા રહેવા, નિર્ભયપણે મોટા સપના જોવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. તેમણે યુવતીઓને વિશેષ સંદેશ આપતા જણાવ્યું હતું કે આત્મવિશ્વાસ અને ધીરજથી દરેક પડકારને તકમાં બદલી શકાય છે.

આ પ્રસંગે ગવર્નિંગ બોડી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, સરકારી અધિકારીઓ, GSFC લિમિટેડના પ્રતિનિધિઓ, ઉદ્યોગજગતના આગેવાનો, વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં રજીસ્ટ્રાર મનીષ પ્રધાન દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જીવન માં ક્યારેય શીખવાનું બંધ ન કરો, સ્થિર રહો, વિનમ્રતાથી નેતૃત્વ કરો
ડો. ટેસી થોમસે તેમના દિક્ષાંત પ્રવચનમાં સહુ પ્રથમ પ્રત્યેક સ્નાતક વિદ્યાર્થી તથા તેમના પરિવારજનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે દરેક પડકાર, ત્યાગ અને સિદ્ધિમાં તમારી સાથે અડગપણે ઉભા રહેનાર તમારા પરિવારોનું યોગદાન પ્રશંસનીય છે. આજે તમારા પરિશ્રમ, ધીરજ, સર્જનાત્મકતા અને અધ્યયનનો એક મહત્વપૂર્ણ મુકામ પૂર્ણ થાય છે તથા સાથે જ નવી સંભાવનાઓ અને જવાબદારીઓથી ભરેલા નવા અધ્યાયની શરૂઆત થાય છે. તેમણે કહ્યું હતું કે જ્યારે આપણો દેશ ‘વિકસિત ભારત ૨૦૪૭’ના મહત્ત્વાકાંક્ષી દ્રષ્ટિકોણ તરફ આગળ વધી રહ્યો છે અને ગુજરાત ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ સાથે પોતાની ગતિ સુસંગત કરી રહ્યું છે, ત્યારે ટકાઉ, ટેક્નોલોજીથી સશક્ત અને આર્થિક રીતે મજબુત ભવિષ્ય ઘડવાની જવાબદારી યુવાનો પર વિશેષ રીતે નિર્ભર છે. તેમણે તેમના જીવનપ્રવાસને દિશા આપનાર કેટલાક સિદ્ધાંતો દીક્ષાર્થીઓ સાથે શેર કરતા જણાવ્યું હતું કે જીવન માં ક્યારેય શીખવાનું બંધ ન કરો, સ્થિર રહો, વિનમ્રતાથી નેતૃત્વ કરો, મૂળોમાં જોડાયેલા રહો અને હમેશા રાષ્ટ્ર માટે વિચારો. દરેક અવરોધમાં વિકાસનું બીજ રહેલું છે અને દરેક પડકાર નવી શક્યતાઓનું દ્વાર ખોલે છે.