( પ્રતિનિધિ )વડોદરા,તા.16
વડોદરા શહેરના જીએસએફસી ગેટની સામે બાઈક સવાર ડીવાઈડર સાથે અથડાતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. યુવક નોકરી પર જઈ રહ્યો દરમિયાન અકસ્માત સર્જાતા કાળ ભરખી ગયો હતો.

વડોદરા શહેરમાં અકસ્માતોની વણથંભી વણઝાર શમવાનું નામ લઈ રહી નથી. દરરોજ અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે,તેમ છતાં હજીએ કેટલાક ચાલકો પુરપાટ ઝડપે વાહન હંકારી ટ્રાફિક નિયમનનો ભંગ કરવા સાથે પોતાનો અને બીજાના પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે. તેવામાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી. શહેર નજીક જીએસએફસી પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં સાંકરડા ગામમાં રહેતો 20 વર્ષીય ચિરાગ મનોજ જાદવ તેની મોટરસાયકલ ઉપર નોકરી જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક ડિવાઈડર સાથે ટકરાયો હતો. જે બાદ તેનું માથું થાંભલા સાથે ભટકાતા ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ એસએસજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.