લક્ષ્મીપુરા પોલીસ,ક્રાઈમ બ્રાન્ચ અને FSLની ટીમો કામે લાગી, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
પાછળના દરવાજેથી વિદ્યાર્થિની કોમ્પ્લેક્સમાં પ્રવેશી,સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા
(પ્રતિનિધિ) વડોદરા તા.30
વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ માંથી સવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવને પગલે પોલીસ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એફએસએલની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પલેક્ષના બેઝમેન્ટ માંથી બુધવારે સવારે એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કંટ્રોલરૂમથી માહિતી મળતા જ લક્ષ્મીપુરા પોલીસ ક્રાઈમ બ્રાન્ચ તેમજ એફએસએલ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવતીનો પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ઘટના સ્થળે પહોંચેલા એસીપી બી ડિવિઝનના આર.ડી.કવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ યુવતીએ સાતમાં માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક યુવતી મોડી રાત્રે કોમ્પલેક્ષના પાછળના દરવાજાથી આવતી સીસીટીવીમાં દેખાઈ રહી છે અને આ મૃતક યુવતી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કંપનીની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. હાલ યુવતી કોમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે આવી તેની પણ તપાસ ચાલી રહે છે. આત્મહત્યા કે હત્યા છે, તે દિશામાં પણ પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે