National

એર ઈન્ડિયાની ઘોર બેદરકારી, 8 કલાક યાત્રીઓને AC વગર ફ્લાઇટમાં કેદ રાખતા અનેક બેભાન થયા

નવી દિલ્હી: એક તરફ દેશના વિવિધ રાજ્યોમાં આકરી ગરમી જોવા મળી રહી છે તો બીજી તરફ ફ્લાઈટો મોડી ઉપડવાના કારણે યાત્રીઓને (Passengers) પણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દિલ્હીમાં (Delhi) એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં આકરી ગરમીમાં (Heat) એર ઈન્ડિયાએ (Air India) યાત્રીઓને દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર 8 કલાક સુધી AC વગર ફ્લાઇટમાં કેદ કર્યા હતા. જેના કારણે અનેક યાત્રીઓ બેભાન (Unconscious) પણ થઈ ગયા હતા.

ગુરુવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર યાત્રીઓને બેસાડ્યા બાદ 8 કલાક મોડી પડી હતી. આ દરમિયાન ફ્લાઈટમાં એસી પણ બંધ થઈ ગયું હતું. આ ઘોર બેદરકારીને કારણે ફ્લાઈટમાં ઘણા યાત્રીઓ બેભાન થઈ ગયા હતા. જ્યારે ફ્લાઈટની અંદરના યાત્રીઓએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો તો બધા યાત્રીઓને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. તેમજ આ ઘટના સામે આવ્યા બાદથી એરલાઇનમાં ખળભળાટ મચી ગયો હતો.

ફ્લાઇટ 20 કલાક મોડી ઉપડી
અસલમાં આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 183માં દિલ્હી એરપોર્ટ પર બની હતી. દિલ્હી એરપોર્ટથી આ ફ્લાઇટ ગુરુવારે બપોરે 3:20 વાગ્યે દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જવાની હતી. તેમજ આ ફ્લાઇટને આજે શુક્રવારે લગભગ 20 કલાકના વિલંબ સાથે ઉપાડવામાં આવી હતી. આ ઘટનાથી ગુસ્સે થયેલા ઘણા યાત્રીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એર ઈન્ડિયાને ટેગ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

એર ઈન્ડિયાએ શું કહ્યું?
યાત્રિઓ દ્વારા એર ઇન્ડિયા ઉપર રોષ ઠલવાતા એર ઇન્ડિયા પણ એક્શન મોડમાં આવ્યું હતું. તેમજ સમગ્ર ઘટના અંગે એર ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે ટેકનિકલ સમસ્યાના કારણે ફ્લાઈટ મોડી પડી હતી. અમે અમારા યાત્રીઓની સુરક્ષાની ચિંતાઓને પ્રાથમિકતા આપીએ છીએ. આ ફ્લાઈટ આજે બપોર માટે રીશેડ્યુલ કરવામાં આવી છે. પરંતુ જે યાત્રીઓ રિફંડ લેવા માંગે છે તેમને રિફંડ આપવામાં આવશે. તેમજ રિશેડ્યૂલ વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. આ સાથે જ મોડી રાત્રે યાત્રિઓ માટે હોટેલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પ્રવાસીએ શું કહ્યું?
એક યાત્રીએ શુક્રવારે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ઘટના વિશે જણાવ્યું હતું કે અમને મોડી રાત્રે હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને આજે સવારે 8 વાગ્યે એરપોર્ટ પહોંચવાની જાણ કરવામાં આવી હતી. હવે દરેક યાત્રી એરપોર્ટ પર પહોંચી ગયા છે, ત્યારે તેમને હોટેલ પર પાછા જવા માટે કહેવામાં આવ્યું છે. બે કલાકમાં મુસાફરો એરપોર્ટ પર પહોંચ્યાને 24 કલાક થઈ જશે.

Most Popular

To Top