Editorial

ગ્રીષ્માની હત્યાએ બતાવી આપ્યું છે કે સંતાનોને શિક્ષણ અને સંસ્કાર આપવાની જવાબદારી પ્રત્યેક માતા-પિતાની છે

એક સમય હતો કે જ્યારે ભારતમાં યુવતીઓ સામે આંખ ઉંચી કરીને જોવાની પણ હિંમત યુવાનો દ્વારા કરવામાં આવતી નહોતી. ત્યાં સુધી કે લગ્ન પહેલા યુવક દ્વારા યુવતીને પણ જોવામાં આવતી નહોતી. આજે સમય ખરાબ થઈ ગયો છે. યુવતીઓની છેડતી તો સહજ વાત થઈ ગઈ છે. યુવતીને એકતરફી પ્રેમમાં ધમકી આપવી અને સુરતમાં તો ત્યાં સુધી હદ થઈ ગઈ કે યુવતીને એક તરફી પ્રેમમાં તાલિબાનની જેમ ગળા પર ચપ્પુ ફેરવીને રહેંસી નાખવામાં આવી. આ ભારતની સંસ્કૃતિ સ્હેજેય નથી.

પરંતુ યુવાનો અને કિશોરોના હાથમાં આવી ગયેલા મોબાઈલએ દાટ વાળ્યો છે. દરેક મોબાઈલમાં સોશિયલ મીડિયા ખોલવામાં આવે કે તુરંત વત્તાઓછા પ્રમાણમાં બીભત્સ ફોટાએ કે વિડીયો દેખાય છે. સોશિયલ મીડિયા ચલાવનાર કંપનીઓને પણ આવા ફોટા અને વિડીયોમાં કમાણી થાય છે એટલે તેઓ ચલાવ્યે રાખે છે. આટલું જ નહીં, વિડીયો બનાવનારને પણ નાણાં મળતા હોવાથી શરમને નેવે મુકી દેવામાં આવી છે. પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે કપડા પહેરવામાં આવે કે પછી તે પ્રમાણે જીવન જીવવામાં આવે તે કશું ખોટું નથી પરંતુ જોનાર વ્યક્તિ લલચાઈ જાય ત્યાં સુધીના વિડીયો બનાવવા તે બેશરમીની જ વાત છે. આટલેથી વાત અટકતી નથી, હવે મોબાઈલમાં વિડીયોમાં બેફામપણે ગાળો પણ બોલવામાં આવે છે.

આટલું બાકી હતું તેમ ઓટીટી પ્લેટફોર્મ પર મુકવામાં આવતી ફિલ્મ તેમજ સિરીઝે તો હદ કરી નાખી છે. આ ફિલ્મ અને વેબસિરીઝમાં એટલી હદે નગ્નતા બતાવવામાં આવે છે કે તેને ફિલ્મ કહેવી કે પોર્ન ફિલ્મ કહેવી તે જ સમજ નહીં પડે. જાણે દુનિયાભરમાં નગ્નતાને સ્વીકારી લેવામાં આવી હોય તેવી રીતે આ ફિલ્મો અને વેબસિરીઝ બનવા માંડી છે અને હવે તેની સીધી અસર આજના યુવાનો તેમજ યુવતીઓમાં દેખાવા માંડી છે. યુવાનો કરતાં યુવતીઓ શરમાળ વધુ હોવાને કારણે સરખામણીમાં થોડી ઓછી અસર હોય છે પરંતુ આજના યુવાવર્ગને મોબાઈલ તેમજ ઓટીટી પ્લેટફોર્મ પર પીરસવામાં આવતી નગ્નતાએ બગાડી નાખ્યા છે. યુવાવર્ગની આ સ્થિતિ સામે હવે સમાજે અવાજ ઉઠાવવો પડે તેવી સ્થિતિ છે.

યુવાવર્ગને તેના વડીલો જ સુધારી શકે છે. મોબાઈલ આજે અભિન્ન અંગ બની ગયું હોવાથી યુવાવર્ગ પાસેથી મોબાઈલ છીનવી શકાવાનો નથી ત્યારે તેમને એ સમજણ આપવાની જરૂરીયાત છે કે સોશિયલ મીડિયા કે ઓટીટી પ્લેટફોર્મ પર શું જોવું અને શું નહીં જોવું? સુરતમાં ગ્રીષ્માની હત્યા બાદ યુવાનોમાં વધી રહેલી આ બદીનો મુદ્દો ઉઠ્યો છે. સુરતમાં આ માટે નાગરિક સંમેલન પણ બોલાવવામાં આવ્યું. નાગરિક સંમેલનમાં સૂચક રીતે જ વાતો કરવામાં આવી કે યુવાવર્ગને સુધારવા માટે માતા-પિતાએ જ પોતાના સંતાનોને શિક્ષણ અને સંસ્કાર આપવા પડશે. આ વાત પણ સાચી છે. પ્રત્યેક માતા-પિતાને એ ખબર હોવી જ જોઈએ કે તેમના દીકરા કે દીકરી શું કરે છે?

ભૂતકાળમાં શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સુધારી દેવામાં આવતા હતા. આજના સમયમાં આ સ્થિતિ બદલાઈ ગઈ છે પરંતુ તેને ફરી ભૂતકાળની સ્થિતિએ લાવવી જ પડશે. મોબાઈલ સંતાનો પાસે હોય તેનો વાંધો નથી પરંતુ સંતાનો મોબાઈલમાં શું જોઈ રહ્યા છે તેનું ધ્યાન રાખવાની માતા-પિતાની જવાબદારી છે જ. જો સંતાન બગડે તો તેને સુધારવી અને નહીં સુધરે તો તેનો બચાવ કરવાને બદલે તેને યોગ્ય શિક્ષા કરવાની જવાબદારી પણ માતા-પિતા અને સમાજની છે. પ્રત્યેક સમાજે પોતાની અંદર જોવું પડશે કે તેમના સમાજના યુવાનો શું કરી રહ્યા છે? ટેકનોલોજી દિવસેને દિવસે હાવી જ થતી રહેવાની છે ત્યારે સંયમમાં રહીને ટેકનોલોજીનો ઉપયોગ કરતાં સંતાનોને શીખવવું પડશે. ગ્રીષ્માની ઘટના મહિનાઓ બાદ ભૂલાઈ જશે. હત્યાના આરોપી ફેનીલને લોકો ભૂલી પણ જશે, પરંતુ જો યુવાનોમાં સંસ્કાર અને શિસ્તનું સિંચન કરવામાં નહીં આવે તો આવી ઘટનાઓ ફરી બનતી જ રહેશે તે નક્કી છે.

Most Popular

To Top