National

આસામમાં આર્મી કેમ્પ પર ગ્રેનેડ હુમલો, ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘાયલ

આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપથર વિસ્તારમાં ગત રોજ તા. 16 ઓક્ટોબર ગુરુવારે મોડી રાત્રે એક આર્મી કેમ્પ પર ગ્રેનેડ હુમલો થયો હતો. આ હુમલામાં ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલા બાદ સેના અને પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ શરૂ કરી છે.

મળી રહેલી માહિતી અનુસાર કાકોપથર વિસ્તારમાં સ્થિત ભારતીય સેનાના 19મા ગ્રેનેડિયર્સ યુનિટના કેમ્પને નિશાન બનાવીને મધ્યરાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરોએ ગ્રેનેડ ફેંક્યા હતા. આ હુમલા બાદ ભારે વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા અને તરત જ ગોળીબાર શરૂ થયો હતો. જે લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યો હતો.

હુમલામાં ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને નજીકના સૈનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.

આર્મી કેમ્પ પરના હુમલા બાદ સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને નજીકના વિસ્તારોમાં નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેનાના જવાનો દરેક શંકાસ્પદ હલચલ પર નજર રાખી રહ્યા છે અને આસપાસના જંગલ વિસ્તારોમાં તલાશી અભિયાન ચલાવી રહ્યા છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ હુમલાના સમયે અનેક ગ્રેનેડ વિસ્ફોટના અવાજો સંભળાયા હતા. જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો હતો. ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા અને રાત્રે લાંબા સમય સુધી ચિંતામાં રહ્યા હતા.

હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પરંતુ સુરક્ષા એજન્સીઓએ પ્રાથમિક તપાસમાં યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA–Independent) જૂથ પર શંકા વ્યક્ત કરી છે.

આ હુમલો તે સમય આવ્યો છે જ્યારે બુધવારે અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં NSCN (K-YA) જૂથના શંકાસ્પદ આતંકવાદીઓએ આસામ રાઇફલ્સ કેમ્પ પર હુમલો કર્યો હતો. તે હુમલામાં પણ સેનાએ પ્રતિસાદ આપીને વિસ્તારને સુરક્ષિત બનાવ્યો હતો.

હાલ આસામ પોલીસ અને સેનાની સંયુક્ત ટીમો તપાસમાં લાગી ગઈ છે અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે દોષિતોને ઝડપીને કડક સજા આપવામાં આવશે.

Most Popular

To Top