National

સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો

છેલ્લાં પાંચ દિવસથી ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થવાના લીધે હજારો મુસાફરો અટવાયા છે. દેશના અનેક એરપોર્ટ પર કલાકો સુધી મુસાફરોએ રઝળવાનો વારો આવ્યો છે. અનેક મુસાફરો ફ્લાઈટ્સ રદ થવાના લીધે પરેશાન થઈ રહ્યા છે ત્યારે હવે સરકારે આ મામલે મધ્યસ્થી કરી છે અને ઈન્ડિગોને રવિવાર સુધીમાં એટલે કે આવતીકાલે 7 ડિસેમ્બર સુધીમાં તમામ મુસાફરોને રિફંડ આપવા આદેશ કર્યો છે.

ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં સર્જાયેલા તાજેતરના વિક્ષેપો અને રદ થયેલી ફ્લાઇટ્સને કારણે દેશભરના હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. વધતી ફરિયાદો અને મુસાફરોની તકલીફને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગો એરલાઇન્સને કડક સૂચના આપી છે કે મુસાફરોને તમામ બાકી રિફંડ 7 ડિસેમ્બર રવિવારની રાત્રે 8 વાગ્યા સુધીમાં પરત કરવામાં આવે.

મંત્રાલયે ઇન્ડિગોને સ્પષ્ટ જણાવ્યું છે કે આ પરિસ્થિતિમાં મુસાફરો પાસેથી કોઈપણ રિશેડ્યુલિંગ ફી વસૂલ ન થાય. જો કોઈ મુસાફર પોતાની ફ્લાઇટ ફરીથી બુક કરે છે તો તેની માટે કોઈ પણ વધારાનો ચાર્જ નહીં લેવાય. મંત્રાલયે સૂચના આપી છે કે જો આ આદેશનું પાલન ન થાય તો એરલાઇન સામે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે છે.

સ્પેશિયલ પેસેન્જર સપોર્ટ અને રિફંડ સેલ બનશે
મુસાફરોની રિફંડ પ્રક્રિયા ઝડપથી પૂરી થાય તે માટે ઇન્ડિગો પાસે સ્પેશિયલ પેસેન્જર સપોર્ટ અને રિફંડ સેલ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સેલ સીધા જ અસરગ્રસ્ત મુસાફરોનો સંપર્ક કરશે અને તેમને રિફંડ, રિબુકિંગ અથવા અન્ય વ્યવસ્થામાં મદદ કરશે.

ખોવાયેલ સામાન 48 કલાકમાં પહોંચાડવાનો આદેશ
ફ્લાઇટ રદ અને વિલંબને કારણે કેટલાક મુસાફરોના સામાન ખોવાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે. આ માટે મંત્રાલયે ઇન્ડિગોને કડક સૂચના આપી છે કે મુસાફરોના ખોવાયેલ તમામ લગેજ 48 કલાકની અંદર મુસાફરના ઘરે પહોંચાડવામાં આવે.

સાથે જ મુસાફરોને તેમના સામાનની ટ્રેકિંગ માહિતી અને ડિલિવરી સમય અંગે સતત અપડેટ આપવામાં આવશે. જો સામાનને નુકસાન થયું હોય અથવા મળવામાં વિલંબ થાય તો યોગ્ય વળતર પણ આપવામાં આવશે.

જરૂરિયાતમંદ મુસાફરો માટે ખાસ વ્યવસ્થા
મંત્રાલયે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, અપંગ મુસાફરો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે વધારાની મદદ અને માર્ગદર્શન આપવા ઇન્ડિગોને સૂચના આપી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ખાતરી આપી છે કે પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને એરલાઇનને શક્ય તેટલી વહેલી તકે કામગીરી સામાન્ય પર લાવવા સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top