ઈ-કોમર્સ કંપનીઓની ચાલાકી પર સરકાર હવે લાલ આંખ કરી રહી છે. કેશ ઓન ડિલિવરી (COD) પર વધારાની ફી વસૂલતા પ્લેટફોર્મ સામે કેન્દ્ર સરકાર કડક પગલા ભરવાની તૈયારીમાં છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારી કંપનીઓને છોડવામાં નહીં આવે.
કેમ ઉઠ્યો વિવાદ?
ઘણી ઈ-કોમર્સ કંપનીઓ ઓનલાઇન પેમેન્ટના બદલે COD પસંદ કરવા બદલ ગ્રાહકો પાસેથી અલગ-અલગ નામે એક્સ્ટ્રા ફી વસૂલી રહી છે. તાજેતરમાં જ એક યુઝરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મેં ઓફર હેન્ડલિંગ ફી, પેમેન્ટ હેન્ડલિંગ ફી અને પ્રોટેક્ટ પ્રોમિસ ફીના નામે 226 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ ચૂકવ્યો છે.
આ સાથે તેણે કટાક્ષમાં કહ્યું કે “જેમ ઝોમેટો, સ્વિગી અને ઝેપ્ટો વરસાદ માટે ચાર્જ લે છે. તેવી જ રીતે હવે કદાચ સ્ક્રોલિંગ એપ ફી પણ આવી જશે.”
સરકારની પ્રતિક્રિયા
આ મુદ્દે ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ખુદ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે ગ્રાહકો પાસેથી આ રીતે વધારાનો ચાર્જ વસૂલવો ગંભીર મામલો છે. ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સે તપાસ શરૂ કરી છે અને જે પણ પ્લેટફોર્મ ગેરકાયદેસર રીતે ચાર્જ વસૂલશે તેના પર કડક કાર્યવાહી થશે.
ઈ-કોમર્સ કંપનીઓ કઈ રીતે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે?
- જેમ કે બતાવવું કે પ્રોડક્ટ ફક્ત 1-2 જ સ્ટોકમાં છે. જ્યારે હકીકતમાં ઘણા ઉપલબ્ધ હોય.
- નકલી ડેડલાઇન આપવી કે ઓફર માત્ર થોડા મિનિટમાં પૂરી થઈ જશે.
- અથવા તો લાંબી શરતોની યાદીમાં છુપાવીને વધારાનો ચાર્જ વસૂલવો.
સરકારે પહેલા પણ ચેતવણી આપી હતી
કેન્દ્ર સરકારે અગાઉ પણ ઈ-કોમર્સ કંપનીઓને ચેતવણી આપી હતી. સરકારએ સ્પષ્ટ કર્યું હતું કે આવી ભ્રામક રીતો (misleading practices) સ્વીકાર્ય નથી. હવે મંત્રાલય ગ્રાહક અધિકારોના રક્ષણ માટે નવા કડક કાયદા લાવવા માટે તૈયારી કરી રહ્યું છે.
આ રીતે કેશ ઓન ડિલિવરી પર વધારાની ફી વસૂલતી ઈ-કોમર્સ કંપનીઓ સામે સરકાર કડક વલણ અપનાવી રહી છે. જેથી ગ્રાહકોને ન્યાય મળી શકે.