ગાંધીનગર: રાજ્યના નગરો-મહાનગરોના સુઆયોજિત સર્વગ્રાહી વિકાસ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana) અન્વયે ર૦રર-ર૩ના વર્ષ માટે પ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણીનું સરકારે (Government) આયોજન કર્યુ છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે આ સંદર્ભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સમક્ષ રજુ કરેલી વિસ્તૃત ફાળવણી આયોજન દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી પટેલે પ૧૦૦ કરોડ રૂપિયાની રાશિ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તથા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મહાનગરો, નગરો અને શહેરી વિકાસ સત્તામંડળોને આપવાની પણ અનુમતિ આપી છે. તદ્દઅનુસાર, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને રૂ. ૩૮૦૬ કરોડની રકમ રાજ્યના મહાનગરો, નગરો તથા સત્તામંડળોમાં વિવિધ જનહિત વિકાસ કામોના હેતુસર ઉપયોગમાં લેવા ફાળવવામાં આવશે અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને રૂ. ૧ર૯૪ કરોડ ફાળવવામાં આવશે. GMFB અને GUDMને ફાળવાનારી આ રકમમાંથી રાજ્યની મહાનગરપાલિકાઓને રૂ. ૩૩૪પ કરોડ, નગરપાલિકાઓને રૂ. ૧૬ર૮ કરોડ તથા શહેરી વિકાસ સત્તામંડળોને રૂ. ૧ર૭ કરોડની રકમ વિકાસ કામો માટે અપાશે. વિવિધ આંતર માળખાકીય વિકાસ કામો માટે ૮ મહાનગરપાલિકાઓને રૂ. ૧૯૧૭ કરોડ, નગર પાલિકાઓને રૂ. ૩૭૯ કરોડ અને શહેરી વિકાસ સત્તામંડળોને રૂ. ૭ર કરોડ આપવાની જોગવાઇ સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. ૫૦૦ કરોડની ફાળવણી થશે તેમાંથી ૮ મહાનગરપાલિકાઓને રૂ. ૩૦૦ કરોડ અને નગરપાલિકાઓને રૂ. ૨૦૦ કરોડ ફાળવવામાં આવશે. એટલું જ નહિ, ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો માટે રૂ. ૩પ૦ કરોડ અને આગવી ઓળખના કામો માટે ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે ફલાય ઓવર બનાવવા માટે રૂ. રપ૦ કરોડ ફાળવાશે. આ ઉપરાંત ૮ મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ માટે રૂ. ર૩૮ કરોડની ફાળવણી થશે.
મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને રૂ. ૧ર૯૪ કરોડ નગરો-મહાનગરોમાં નાગરિક સુવિધા વૃદ્ધિના વિકાસ કામો માટે ઉપયોગમાં લેવા ફાળવવામાં આવશે. આ રકમમાંથી ભૂગર્ભ ગટર, પાણી પુરવઠા, નળથી જળ કાર્યક્રમ અન્વયે પીવાના પાણી માટેના વિતરણ કામો, નગરોમાં મુખ્યમંત્રી બસ પરિવહન સુવિધા તેમજ નગરપાલિકાઓને સંચાલન અને નિભાવણી ખર્ચ સહાય આપવામાં આવશે. ગુજરાત રાજ્યના સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ વર્ષ ર૦૦૯-૧૦થી આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મુકવામાં આવેલી છે, આ યોજના અન્વયે ર૦૦૯થી ર૦ર૧-રર સુધીના વર્ષોમાં રાજ્ય સરકારે કુલ ૪૪,૧૦ર કરોડ રૂપિયાની ફાળવણી કરેલી છે.