Dakshin Gujarat

ઘઉં અને ખાંડની નિકાસને સરકારની મંજૂરી : ખેડૂતો માટે રાહતનો નિર્ણય

દેશના કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતા નિર્ણય હેઠળ સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે. સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયનો ખેડૂત આગેવાનો દ્વારા વ્યાપક સ્વાગત કરવામાં આવ્યો છે. ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળે તેમજ સ્થાનિક બજારોમાં કિંમતોની સ્થિરતા જળવાઈ રહે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.આ મામલે ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યું હતું કે દેશમાં ઘઉં અને ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી સરકારે નિકાસની મંજૂરી આપી છે. આ પગલું ખેડૂતો માટે લાભદાયક સાબિત થશે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળવાથી તેમની આવકમાં વધારો થશે તેમજ ખેતી પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનશે.

સરકારે ઘઉંના ઉત્પાદનોની પાંચ લાખ ટન નિકાસ કરવાની પણ છૂટ આપી છે. પુરવઠાની વર્તમાન સ્થિતિ અને બજારમાં ચાલી રહેલી કિંમતોનું વિશ્લેષણ કર્યા બાદ ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે. વર્ષ 2025-26 દરમિયાન ખાનગી એકમો પાસે અંદાજે 75 લાખ ટન ઘઉંનો જથ્થો ઉપલબ્ધ રહ્યો હતો, જે ગયા વર્ષની તુલનામાં આશરે 32 લાખ ટન વધારે હતો.આ ઉપરાંત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે 1 એપ્રિલ 2026 સુધીમાં અંદાજે 182 લાખ ટન ઘઉંનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે. તેથી નિકાસને મંજૂરી આપવાથી દેશની ખાદ્યાન્ન સુરક્ષાને કોઈ અસર થવાની શક્યતા નથી.

વર્ષ 2026માં રવિ સીઝનમાં ઘઉંના વાવેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગયા વર્ષે 328.04 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે અંદાજે 334.14 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. આ વધારો ખેડૂતોના ઘઉંના પાક પ્રત્યે વધતા વિશ્વાસને દર્શાવે છે. સરકાર દ્વારા લઘુત્તમ આધારભૂત ભાવ (MSP) તથા ખરીદીની સુવિધાઓ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન મળ્યું હોવાનું માનવામાં આવે છે.ખેડૂત અગ્રણી જયેશ દેલાડે વધુમાં કહ્યું હતું કે સરકારે પુરવઠાની ઊંચી ઉપલબ્ધતા, કિંમતોમાં ઘટાડો અને વધુ ઉત્પાદનની સંભાવનાને ધ્યાનમાં રાખીને નિકાસની મંજૂરી આપી છે. આ નિર્ણયથી બજારમાં સ્ટોકનું યોગ્ય સંચાલન થશે અને ખેડૂતોને પાક વેચવામાં સરળતા રહેશે. આ ઉપરાંત સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર રહેશે અને ખેડૂતોની આવકમાં વધારો થવાની શક્યતા છે.

ખાંડ ક્ષેત્રમાં પણ સરકારે રાહત આપતા વર્તમાન ખાંડ સીઝન 2025-26 દરમિયાન વધારાના પાંચ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે. અગાઉ પણ સરકારે ખાંડની નિકાસ માટે મંજૂરી આપી હતી. આ નિર્ણયથી કૃષિ આધારિત વિસ્તારોમાં ખેડૂતોમાં આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સુરત સહિતના વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

Most Popular

To Top