Gujarat

ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ વધારવા સરકાર સક્રિય: બોલિવૂડ ડિરેક્ટરો-પ્રોડ્યુસરો સાથે વાટાઘાટ, ફેમટુર ઇવેન્ટ્સ યોજવાની તૈયારી

ગાંધીનગર,તા.9: ગુજરાતમાં વધી રહેલા પ્રવાસનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે ફિલ્મ શૂટિંગ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો તેજ કર્યા છે. હિન્દી તેમજ બિન ગુજરાતી ફિલ્મોના શૂટિંગ ગુજરાતના વિવિધ લોકેશન પર થાય તે માટે રાજ્ય સરકાર પરપ્રાંતિય ફિલ્મ ડિરેક્ટરો, પ્રોડ્યુસરો, સ્ક્રિપ્ટ રાઇટર્સ અને ફિલ્મ એસોસિયેશનો સાથે વાટાઘાટ શરૂ કરી રહી છે. આ સાથે ફિલ્મ નિર્માતાઓને ગુજરાતના લોકેશનથી પરિચિત કરાવવા માટે “ફેમટુર”જેવી ખાસ ઇવેન્ટ્સ યોજવાની પણ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ (ગુજરાત ટુરિઝમ)ના કામગીરી અંદાજપત્રમાં એડિશનલ ચીફ સેક્રેટરી મમતા વર્માએ બજેટ ડોકયુમેન્ટમાં નોંધ્યું છે કે 2025માં પૂર્ણ થયેલી પ્રવાસન પોલિસીના સ્થાને નવી સૂચિત પોલિસીમાં વિશિષ્ટ પર્યટન ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સિનેમેટિક, વેલનેસ-મેડિકલ, એડવેન્ચર, ગોલ્ફ, રૂરલ અને સસ્ટેનેબલ ટુરિઝમ જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા સેમિનાર, રોડ શો અને પ્રદર્શન યોજાશે. આ માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ, વ્યંજનો, હસ્તકલા અને પર્યટન સ્થળોની વ્યાપક રીતે બ્રાન્ડિંગ કરવામાં આવશે.

રાજ્ય સરકાર હવે પરંપરાગત ટુરિઝમની સાથે વિશિષ્ટ ટુરિઝમ ક્ષેત્રે આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે. આ અંતર્ગત મુંબઇના બોલિવૂડ સેલિબ્રિટીઝ, ફિલ્મમેકર્સ અને તેમની સાથે સંકળાયેલી એજન્સીઓને રાજ્યભરના શ્રેષ્ઠ ડેસ્ટિનેશનની મુલાકાત કરાવવામાં આવશે. વિશિષ્ટ ટુરિઝમ એવા પ્રકારનું પ્રવાસન છે જેમાં ચોક્કસ રસ અથવા અનુભવોને ધ્યાનમાં રાખીને વિકાસ કરવામાં આવે છે. તેમાં ઇકો ટુરિઝમ, હેરિટેજ અને કલ્ચરલ, મેડિકલ-વેલનેસ, એગ્રો, બિઝનેસ અને વાઇલ્ડલાઇફ ટુરિઝમનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારે 2022-2027 માટે જાહેર કરેલી સિનેમેટિક ટુરિઝમ પોલિસી હેઠળ રાજ્યમાં ફિલ્મ શૂટિંગ માટે 100થી વધુ લોકેશન ઓળખી કાઢવામાં આવ્યા છે. આ પોલિસીનો ઉદ્દેશ ફિલ્મ નિર્માણને પ્રોત્સાહન આપીને પ્રવાસન વધારવાનો છે. ગુજરાતમાં ફિલ્મ શૂટ કરવા માટે પ્રોડક્શન હાઉસને નાણાકીય પ્રોત્સાહન અને સબસીડી આપવામાં આવે છે. આ પોલિસીમાં ફિલ્મ પ્રોજેક્ટ્સ, ફિલ્મ સિટી, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, પોસ્ટ પ્રોડક્શન સુવિધાઓ તેમજ ટીવી, વેબ સિરીઝ, ડોક્યુમેન્ટરી અને મેગા ફિલ્મ ઇવેન્ટ્સને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.

દેશના અનેક રાજ્યો ફિલ્મ હબ તરીકે ઉભરી રહ્યા છે. મુંબઇ, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગલુરુ અને કોચી પરંપરાગત ફિલ્મ સેન્ટર્સ છે, જ્યારે વારાણસી, જયપુર, દિલ્હી-એનસીઆર, કોલકત્તા અને અમદાવાદ ઝડપથી આગળ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, તામિલનાડુ, કર્ણાટક, કેરલ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમબંગાળ, હિમાચલ પ્રદેશ અને ગોવા જેવા રાજ્યોમાં પહેલેથી ફિલ્મ પોલિસી અમલમાં છે.

ગુજરાતના વિવિધ લોકેશનો પર અનેક જાણીતી ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે. તેમાં કયામત સે કયામત તક, લગાન, રેફ્યુજી, હમ દિલ દે ચૂકે સનમ, સરફરોશ, બાગબાન, મોહેંજો દડો, રામલીલા, રાંઝણા, મદ્રાસ કેફે, સત્યાગ્રહ, ગોલમાલ રિટર્ન્સ અને એરલિફ્ટ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. 2000 પછી ગુજરાત ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે ઉભરતાં અહીં શૂટિંગમાં વધારો થયો છે. છેલ્લા સમયમાં ઓટીટી સિરીઝ અને બાયોપિક્સ માટે પણ ગુજરાતના લોકેશનો પસંદ કરવામાં આવી રહ્યા છે.

રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિશિષ્ટ પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં રૂ. 34 કરોડની જોગવાઈ કરવાની જાહેરાત કરી છે, જેમાં સિનેમેટિક ટુરિઝમ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ પ્રકારના પ્રવાસનથી ઓછા પ્રવાસીઓમાંથી પણ વધુ આવક મેળવવાની શક્યતા છે અને સ્થાનિક રોજગાર તથા MSME ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.

જો કે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિયેશનનું માનવું છે કે બોલિવૂડ ફિલ્મોના મોટા પ્રમાણમાં શૂટિંગ માટે રાજ્ય સરકારે Niche Tourism Policy જાહેર કરવી જરૂરી બનશે. દરેક ટુરિઝમ સેગમેન્ટ માટે અલગ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ યોજના તૈયાર કરવી પડશે. ઇકો, ગ્રામ્ય અને વાઇલ્ડલાઇફ ટુરિઝમ માટે PPP મોડલને પણ પ્રોત્સાહન આપવું પડશે. માત્ર સિનેમેટિક પોલિસીથી કામ નહીં ચાલે, પરંતુ ઇકો, હેરિટેજ, સ્પિરિચ્યુઅલ, મેડિકલ અને રૂરલ ટુરિઝમને પણ સમાવવામાં આવશે તો ગુજરાત ફિલ્મ અને પ્રવાસન બંને ક્ષેત્રે વધુ ઝડપથી આગળ વધી શકશે.

Most Popular

To Top